ઓખા-જયપુર ટ્રેનમાં લોકો પાસેથી પૈસા ખંખેરતો નકલી ટીટી રાજકોટથી ઝડપાયો
રાજકોટઃ રાજ્યમાં નકલી પોલીસ, નકલી આરટીઓ ઈન્સ્પેક્ટર, કે જુદા જુદા રૂપ ધારણ કરીને લોકોને ઠગવાના બનાવો બનતા હોય છે. હવે ટ્રેનમાં નકલી ટીટી બનીને મુસાફરો પાસેથી તોડ કરતો ઠગ પકડાયો છે. ઓખા-જયપુર ટ્રેનમાં બોગસ TTનો સ્વાંગ રચી વગર ટીકીટે મુસાફરી કરતા મુસાફરો પાસેથી તોડ કરતા બોગસ TT ને રેલ્વે કર્મચારીની ઝપટે ચડી ગયા બાદ RPFના હવાલે કરી દેતા બોગસ TT સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર સરસ્વતી નગરમાં રહેતા અને રાજકોટ રેલ્વે ડિવિઝનમાં 10 વર્ષથી ગાર્ડ તરીકે નોકરી કરતા પરશુરામ કિશનલાલ માળી (ઉ.વ.58)એ રેલ્વે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આકાશ હનુમાનસિંહ રાજપુરોહીત (ઉ.વ.22)નું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે બપોરે ફરિયાદી ઓખા જબલપુર ટ્રેનમાં રાજકોટથી પરત ઘરે સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા ત્યારે આરોપી ટીકીટ ચેક કરતા ફરિયાદી પાસે પહોચ્યો હતો. આ વખતે આરોપીએ TTનો ડ્રેસ પહેરેલ ન હોય શંકા જતા તેની પાસે આઈ કાર્ડ માંગતા રતલામ ડિવિઝન પશ્ચિમ રેલ્વેનું આઈકાર્ડ બતાવ્યુ હતું જે બોગસ હોવાનું શંકા જતા RPFને જાણ કરી હતી. આરપીએફ દ્વારા ટીકીટ ચેકીંગ કરતા આકાશ રાજપુરોહિતની અટકાયત કરી પુછપરછ કરતા તેની પાસે રહેલું આઈકાર્ડ બોગસ હોવાનું અને તોડ કરવા માટે જ TTનો સ્વાંગ રચી પેસેન્જર પાસેથી ટીકીટ ઉઘરાવતો હોવાનું જણાવ્યું છે. આ અંગે રેલ્વે પોલીસે બોગસ ટિકિટચેકર સામે ગુનો નોંધી વિશેષ તપાસ ચલાવી હતી. આ નકલી ટીટીએ અન્ય ટ્રેનોમાં પણ તોડપાણી કર્યાની કબુલાત કરી છે.