અમદાવાદમાં IIMના પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને વિદેશી કંપનીઓની સૌથી વધુ ઊંચા પગારે ઓફર મળી
અમદાવાદઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી અમદાવાદની આઈઆઈએમમાં પ્લેસમેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓને લાખો રૂપિયાના પગારની ઓફર મળી રહી છે. પ્લેસમેન્ટમાં દેશની નહીં પણ વિદેશની મેગા કંપનીઓ પણ સારા પગારથી જોબની ઓફર કરી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ જોબને પસંદ નહીં કરીને પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે. આ વખતે વિદેશની ઘણીબધી મેગા કંપનીઓ આઈઆઈએમના વિદ્યાર્થીઓ માટે ઊંચા પેકેજ લઈને જોબની ઓફર કરવા માટે આવી હતી. ઉપરાંત દેશની મેગા કંપનીઓ રિલાયન્સ, અમુલ, બેન્કિંગ ક્ષેત્રમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેન્ક, વગેરે નો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આઈઆઈએમ- એ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ) પીજીપી 2022 બેચ માટેની પ્લેસમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. પ્લેસમેન્ટના અંતિમ તબક્કામાં વિદ્યાર્થીઓને 50 ટકા જેટલી વિદેશી ઓફર્સ કરવામાં આવી છે. જ્યારે આ પ્લેસમેન્ટમાં ફિન ટેક કંપનીઓએ મહત્તમ સંખ્યામાં ઓફરોની રજૂઆત કરી છે અને અનડોસ ટ્રેસ સૌથી મોટી ભરતી કરી રહી હોવાનુ પ્લેસમેન્ટના રિપોર્ટમાં જણાવાયું છે. બીજી તરફ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન ફૂડ એન્ડ એગ્રીબિઝનેસ મેનેજમેન્ટના 2020-2022ના 46 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર ઊંચા પગારથી મળી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આઈઆઈએમ-એ ના પ્લેસમેન્ટમાં કેપીએમજી, પીડબલ્યુસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પીએન્ડજી, આરબી, નેસ્લે, ઓલમ ઈન્ટરનેશનલ, કેવિન કેર, યુમ બ્રાન્ડસ, મેકકન, અમૂલ, એફએમસી, ઉડાન, પર્પલ, યુપીએલ, ઈટીજી જેવા નિયમિત નોકરી દાતાઓની ભાગીદારી જોવા મળી હતી. ડેલોઈટ, ટીવીએસ ક્રેડિટ, એબ્સોલ્યુટ ફૂડસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેંક, મિત્સુઈ એન્ડ કંપની, ટ્રાઈડેન્ટ ગૃપ, ઝેપ્ટો જેવી કંપનીઓએ ભાગ લીધો હતો.