ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં કોંગ્રેસ દ્વારા રોજગાર, મોંઘવારી સહિતના પ્રશ્ને સુત્રોચ્ચાર કરાયો
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ હતો. બે દિવસ પહેલા રાહુલ ગાંધીના લોકસભાના સસ્પેન્શનના મુદ્દે કોંગ્રેસે હોબાળો મચાવતા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને સત્ર સમાપ્તિ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ગઈકાલે મંગળવારે વિધાનશબા પરિસરમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયા બાદ આજે પણ મોંઘવારી, બેરોજગારી સહિતના વિવિધ પ્રશ્નો ઉઠાવીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો.
ગુજરાત વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના 15 સહિતના તમામ ધારાસભ્યોએ આજે પણ વિધાનસભાના પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા રોજેરોજ અવનવા મુદ્દા અને બેનર સાથે કોંગ્રેસી ધારાસભ્યો વિરોધ કરી રહ્યા છે. આજે બજેટ સત્રના છેલ્લા દિવસે વિધાનસભામાં પ્રાંગણમાં ફરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતા એવા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાના મેન્ડેટથી 156 સીટ સાથે સરકાર બની, આજે સરકાર બન્યાના ત્રણ મહિના કરતા વધારે સમય થયો છે. ત્યારે વિધાનસભાનું ગૃહ મળ્યું તેના પહેલાં દિવસથી કોંગ્રેસ પક્ષે પ્રજાની જે તકલીફ છે, જે પ્રશ્નો છે તેને ઉઠાવ્યા, જેની ચર્ચા કરવા દેવામાં ના આવે, પૂરતો સમય ના આપે અને જ્યારે ચર્ચા કરીએ, વિરોધ કરીએ તો બહુમતિના જોરે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આજે અમે ગુજરાતની પ્રજા વતી સરકારને પૂછવા માગીએ છીએ કે, ગુજરાતમાં લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે. તેને રોજગાર ક્યારે મળશે? વારંવાર પેપરો ફુટે છે, તેની જવાબદારી કોની? વગર પરીક્ષા પાસ કરે કોઈ યુવાન પૈસા આપીને સીધો ટ્રેનિંગમાં પહોંચી જાય છે. એવું તો શું કૌભાંડ છે? આ ઉપરાંત ગુજરાતમાં મોંઘવારી કુદકે ને ભૂસકે વધી છે, આજે તેલનો ડબ્બો ત્રણ હજારે પહોંચ્યો, ગેસનો બોટલ 1100એ પહોંચ્યો, ઘર ચલાવવું મુશ્કેલ છે ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બનતા જાય છે. માવઠાથી ખેતીને જે નુકશાન થયું છે તેનું વળતર ક્યારે મળશે? ST, SC, OBC માઇનોરિટી સામજને વસતીના પ્રમાણમાં નહિવત બજેટ ફળવાયું છે. ત્યારે તેને પૂરતું બજેટ ક્યારે મળશે? આ પ્રશ્નોની ચર્ચા કરવાનો ગૃહમાં અવકાશ અપાતો નથી એટલે સત્તાધિશોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિધાનસભા પરિસરમાં દેખાવો કરાયા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ઉત્સવો અને તાયફામાં પ્રજાના પૈસા બરબાદ કરવાનું કામ કેમ કરે છે? આ પ્રશ્નોના જવાબ અમે માગી રહ્યા છીએ, ત્યારે અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે, જો તમે સારો વહીવટ કરતા હોય, સારી સરકાર ચલાવતા હોય, તો આવો ખુલ્લા મંચ પર ચર્ચા કરવા, આ ગુજરાતની પ્રજા તમને પૂછવા માગે છે, એ પ્રશ્નોના જવાબ અને એના માટેની ચર્ચા કરવા ખુલ્લા મંચ પર આવો અમારૂં તમને આમંત્રણ છે.કેમકે તમે આ લોકશાહીના મંદિરમાં, વિધાનસભામાં ચર્ચાથી ભાગો છો અને કોંગ્રેસ ચર્ચા કરી ન શકે, વિરોધ ન કરી શકે તેની માટે બહુમતીના જોરે તમે કોંગ્રેસને સસ્પેન્ડ કરવામાં આવે છે.