અમદાવાદઃ રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલા ઉચ્ચારણો બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ઊભો થતાં જ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હતી. છતાંયે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ યથાવત રહેતા ભાજપે ડેમેજ કન્ટ્રોલ હાથ ધરીને ભાજપના જ ક્ષત્રિય આગેવાનો જવાબદારી સોંપી હતી. અને શુક્રવારે ગોંડલના શેમાળા ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ફાર્મ હાઉસ ‘ગણેશગઢ’ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, કરણી સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પહોંચ્યા હતા. અને જાહેર મંચ પરથી ફરીવાર રૂપાલાએ માફી માગી હતી.
કેન્દ્રિયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, મારા માટે અફસોસની વાત છે કે આવી ભૂલ થઈ, મારા જીવનમાં આવું ક્યારેય નથી બન્યું. હું જયરાજસિંહજીનો આભારી છું કે તમે આ આગેવાની લીધી અને આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં પ્રયાસ કર્યો છે. મારા કારણે પાર્ટીને નુકશાન થયું તે માટે હું સૌની માફી માંગુ છું. હું કાર્યક્રમમાં જતો હોય તેમ મારું સ્વાગત કરાયું છે. મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે. મારી જીભથી ક્યારે આવું થયું નથી. મારા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. મેં તેની માફી પણ માગી છે. મેં બે હાથ જોડીને માફી માગી છે. મારા માટે નહીં પરંતુ મારી પાર્ટી માટે મને માફ કરી દો. હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરૂ છું અને માફી માગુ છું.’ આ સાથે રૂપાલાએ જયરાજસિંહનો પણ આભાર માન્યો હતો.
પરશોત્તમ રૂપાલાએ માફી માગ્યા બાદ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ‘પરશોત્તમ રૂપાલાના નિવેદનથી સૌથી વધુ મને દુઃખ થયું. રૂપાલાએ 40 મિનિટનો માફીનો વિડિયો મૂક્યો છે. તેમણે સમાજની માફી માગી છે એટલે આ વિવાદનો અંત આવી ગયો છે. હવે રાજપૂત સમાજમાં કોઈ રોષ નથી. રૂપાલા સાહેબની ભૂલને ભૂલી જવાની છે. આ મારો નિર્ણય નહીં, રાજપૂત સમાજનો નિર્ણય છે. પુરષોતમ રૂપાલાને માફ કરવા મંચ પરથી અપીલ કરુ છું. આપણો ક્ષત્રિય ધર્મ કહે છે કે આપણા બાપુજીનું માથું વાઢી નાખ્યું હોય તો પણ આપણા શરણે આવે તો આપણે માફી આપી દઈએ, ઈતિહાસમાં આવું બન્યું છે.’
માફીનો વિરોધ કરનારાઓને જયરાજસિંહ જાડેજાએ સલાહ આપતા કહ્યું હતું કે, ‘સમાજને ગુમરાહ ન કરો. પી.ટી.જાડેજાએ પણ અગાઉ માફી માગી છે. એનાથી પણ ભૂલ થઈ હતી ત્યારે હું ગયો હતો. તમે સમાજને ગુમરાહ ન કરો, એમ છતાં કાંઈ કરવું હોય તો કરી લેજો. મારી સીટ પર મારા સમાજના માત્ર સાત હજાર મત છે. ભાજપે ક્ષત્રિય સમાજને ઘણું આપ્યું છે. ગોંડલ બેઠક પર લેઉવા પટેલ મતદારો છતા ક્ષત્રિયને ટિકિટ આપી છે. પાર્ટી સમજી વિચારીને ટિકિટ આપી છે. ભાજપે રાજ્યસભામાં પણ ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ આપ્યુ છે.’જયરાજસિંહે સવાલ ઉઠાવનારાઓને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, ‘હું સોશિયલ મીડિયાનો જવાબ આપતો નથી. બહાદુરો એકઠા થાય તો તે જ્યાં કહેશે ત્યાં હુ જવા તૈયાર છું. સોશલ મીડિયામાં સવાલો કરનારા એક જગ્યાએ એકઠા થાય હું જવાબ આપીશ.’
ગોંડલ ખાતે મળેલ બેઠકમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ લોધીકા સહકારી સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ ભાજપના ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિત રાજકોટ શહેર જિલ્લાના ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.