રાજકોટ અગ્નિકાંડમાં પેટ્રોલિયમ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાશે, ઉચ્ચ અધિકારીઓની પણ થશે પૂછપરછ
અમદાવાદઃ ગત 25 મેના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં ભયાનક આગ લાગી હતી. જેમાં 25થી વધુ લોકો બળીને ભસ્મીભૂત થયા હતા. ગેમઝોનમાં હાજર લોકો એટલે હદે બળી ગયા હતા કે તેમની ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની જરૂર પડી હતી. આ ભયાનક અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં SITની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અત્યારસુધી થયેલી તપાસની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ SITના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં RMC, ફાયર વિભાગ અને પોલીસની કામગીરી પર તપાસ કરવામાં આવશે. તેમજ સંબધિત તમામ IAS, IPS ની પણ પૂછપરછ કરવામાં આવશે. પેટ્રોલ ડીઝલનો જે જથ્થો હતો તે અંગે પેટ્રોલિયમ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે. તેમજ દોષિતોને છોડવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં આવો બનાવ ન બને તે અંગેની બાબતો પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડની તપાસ CID ક્રાઇમના મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં થઈ રહી છે. અગ્નિકાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખતા દુર્ઘટનાના દિવસે રાજ્ય સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી.
તો બીજી તરફ રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટનામાં નિર્દોષ લોકો મોતને ભેટ્યા બાદ તંત્રએ વિવિધ કોમ્પલેક્સમાં ચાલતા ગેમ ઝોન ઉપર તવાઈ બોલાવી છે. અને ફાયર NOC વિનાના 8 ગેમઝોન સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટમાં ચાલતા ઇન્ફીનિટી ગેમ ઝોન, ફન બ્લાસ્ટ, વુપી વર્લ્ડ ગેમ ઝોન, ક્રિષ્ના વોટર પાર્ક, પ્લે પોઇન્ટ સામે ફરિયાદ નોંધાઈ છે. તો, બીજી તરફ વધુ એક આરોપી કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરી હતી.
મહત્વનું છે કે, રાજ્યના તમામ પોલીસ કમિશનરો તથા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં ચેકીંગ કરવા સરકારે સૂચના આપી છે. એટલું જ નહીં, જે ગેમ ઝોનનું ફાયર NOC ન હોય તથા લાયસન્સ ન હોય તે ગેમઝોનના માલિકો વિરૂધ્ધ FIR દાખલ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.