બીજી T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ 7 વિકેટે જીતી લીધી છે. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 161 રન નોંધાવ્યા હતા. વરસાદના કારણે વિક્ષેપિત થયેલી મેચમાં ડકવર્થ લુઈસ હેઠળ ભારતને 8 ઓવરમાં જીતવા માટે 78 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે ભારતે 6.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ભારતે આ મેચમાં ઈજાગ્રસ્ત શુભમન ગિલના સ્થાને સંજુ સેમસનનો સમાવેશ કર્યો હતો. ઓપનિંગમાં આવેલા સેમસન આ મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. તે મહિષ તીક્ષાના દ્વારા બોલ્ડ આઉટ થયો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ અને સૂર્યકુમાર યાદવે ઝડપથી ભારતનો સ્કોર વધાર્યો હતો.
યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સહિત 30 રનની ઇનિંગ રમી હતી. ત્રીજા નંબર પર સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 રન નોંધાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમારે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. વાનિંદુ હસરંગાએ યશસ્વી જયસ્વાલની વિકેટ લીધી હતી અને મતિષા પથિરાનાએ સૂર્યકુમાર યાદવની વિકેટ લીધી હતી.
હાર્દિક પંડ્યા 9 બોલમાં 22 રનની ઇનિંગ રમીને અણનમ પરત ફર્યો હતો. વિકેટકીપર રિષભ પંતે 2 બોલમાં 2 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ T20 મેચ 43 રને જીતી લીધી હતી.
બીજી T20 મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 161 રન નોંધાવ્યા હતા. શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિસાન્કાએ 24 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું. કુસલ પરેરાએ 34 બોલમાં 53 રનનું યોગદાન આપ્યું હતું. કામિન્દુ મેન્ડિસે ચોથા નંબર પર 23 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભારતીય બોલિંગમાં રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી હતી અને ચાર ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યાને પણ 2-2 વિકેટ મળી હતી.