લખનૌઃ કોરોનાની બીજી લહેરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનાર 99.79 ટકા લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા. એટલું જ નહીં તેમનો કોરોનાથી બચાવ થયો હતો. આવી જ રીતે પ્રથમ ડોઝ લનારાઓ 99.87 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો ન હતો. આમ રસીકરણ મહાઅભિયાનમાં રસી મેળવનારાઓને કોરોના સામે રક્ષણ મળ્યું હોવાનું મનાઈ રહ્યું છે.
સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં હાલ કોરોના રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. મુદારાબાદ મંડળ અંદર લગભગ 1.91 લાખ લોકોએ કોરોનાની બંને રસી લીધી હતી. જેમાં માત્ર 407 એટલે કે 0.21 ટકા લોકો સંક્રમિત થયાં હતા. જ્યારે 99.79 ટકા લોકોને કોરોના સામે રક્ષણ મળ્યું હતું. આવી જ રીતે 6.68 લાખ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જે પૈકી 873 લોકો સંક્રમિત થયાં હતા. એટલે કે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેનારાઓ પૈકી 99.87 ટકા લોકોને રક્ષણ મળ્યું હતું. જ્યારે 0.13 ટકા લોકોને ચેપ લાગ્યો હતો. આમ રસીકરણ કોરોના સામે એક સુરક્ષા કચવ છે તેમ કહી શકાય. આ આંકડો રસીકરણથી દૂર ભાગતા લોકોને રસીકરણ માટે પ્રોત્સાહન પુરુ પાડે છે. એટલું જ નહીં લોકોમાં ફેલાયેલી ખોટી માન્યતાઓ પણ દૂર થઈ જશે. મુરાદાબાદ મંડળમાં ઉત્તરપ્રદેશના પાંચ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુરાદાબાદ મંડળ હેઠળ અમરોહા, બિજનોર, સંભલ, મુરાદાબાદ અને રામપુર જિલ્લામાં હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય આગેવાનો અને સેલિબ્રિટીઓએ પણ કોરોનાની રસી લઈને પોતાને તથા પરિવારને સુરક્ષિત કર્યો છે. એટલું જ નહીં લોકોને પણ કોરોનાની રસી લેવા માટે અપીલ કરી હતી.