સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ભાષણ આપ્યા વિના જ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ કોઈ પ્રણ પ્રવચન આપ્યા વગર નવીન પરંપરા શરુ કરાવી છે. ભાષણ નહીં, પણ સીધું કામ કરીશુ. તેમના આ અભિગમથી લોકો પણ પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવાસેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામેથી કરાવ્યો હતો. રાજ્યના પ્રજાજનોને મળવા પાત્ર -લાભ સહાય ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ ફરી શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો સાતમો તબ્બકો પાંચમી જાન્યુઆરી 2022 સુધી રાજ્યમાં અલગ અલગ જગ્યાએ યોજાશે. આ દરમિયાન 2500 જેટલા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે, જેમાં સરકારના વિવિધ વિભાગોની 56 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે જ જનતાને કરાવાશે.
મુખ્યમંત્રી એ સેવા સેતુના આ વખતના સાતમા ચરણના આરંભે એક નવતર પરંપરા ઊભી કરી છે. જેમાં CM એ સતેજ પરથી પ્રતિક રૂપે લાભ સહાય વિતરણ કર્યું હતું, અને કોઈ જ પ્રવચન રાખ્યા સિવાય સીધા જ સેવા સેતુના લાભાર્થીઓ અને અધિકારીઓ વચ્ચે પહોંચી ગયા હતા. ત્યાં પ્રત્યક્ષ સંવાદ અને વાર્તાલાપ કરી લાભાર્થીઓની વિગતો મુખ્યમંત્રીએ જાણી હતી.
વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન શરુ કરાયેલ આ કાર્યક્રમનું સાતમું ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર રાજ્યમાં 22 ઓકટોબર 2021 થી 5 જાન્યુઆરી 2022 સુધીમાં અલગ અલગ જગ્યાઓ પર 2500 સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ કાર્યક્રમોમાં સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ સ્થળમાં યોજવામાં આવેલા કેમ્પમાં જ પૂરી પાડવામાં આવશે.
સેવાસેતુ કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. સાથે જ સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ યોગ્ય વ્યવસ્થા કરાશે. રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના 6 સફળ તબક્કાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 2.30 કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. હવે સાતમાં તબક્કાનો પ્રારંભ કરાયો છે.