લખનૌઃ એક નવો જ રેકોર્ડ ભારતના ઇતિહાસમાં જોવા મળ્યો છે. અને આ રેકોર્ડ એટલે માત્ર 6 મહિનાના ગાળામાં અયોધ્યામાં 11 કરોડથી વધુ લોકોએ કર્યા રામલલાનાં દર્શન. મિત્રો આપને જાણીને નવી લાગશે કે અયોધ્યા નગરી જે રાજ્યમાં આવેલી છે તે રાજ્ય ઉત્તર પ્રદેશની 11 સપ્ટેમ્બર મુજબ વસતી 25 કરોડ 70 લાખ છે. અને પાકિસ્તાનની વસતી 2024 માં 24 કરોડ જેટલી છે. મતલબ કે પાકિસ્તાન દેશ કરતા વધારે વસતી આપડા એક જ રાજ્યની છે. હવે વાત કરીએ અયોધ્યાની વસતીની તો સપ્ટેમ્બર 11, 2024 અનુસાર અયોધ્યાની વસતી 24 લાખ છે. હાલ રોજ 6 લાખથી વધુ પ્રવાસીઓ અયોધ્યા આવી રહ્યા છે.
મતલબ કે અયોધ્યાની વસતીના 25 ટકા જેટલા તો રોજ પ્રવાસીઓ આ શહેરમાં આવી રહ્યા છે. એક જ મંદિરના નિર્માણ થકી આટલા ટૂંકા ગાળામાં 11 કરોડની વધુ પ્રવાસીઓ શહેરની મુલાકાત લે તે પરથી જ ખ્યાલ આવે કે અહી માળખાકીય સુવિધાઓ પણ એટલી જ માત્રામાં પૂરી પાડવામાં આવતી હશે અથવા એ માટેના પ્રયાસ શરુ થઇ ગયા હશે. અથવા તો કઈ શકાય કે એવા અનેક પ્રોજેક્ટ અયોધ્યામાં અમલી બન્યા હશે કે જેનાથી મુલાકાતીઓની યાત્રા સુખદ બને. હાલ તો દેશ વિદેશના યાત્રીઓ માટે અયોધ્યા ફેવરિટ સ્થળોમાં સામેલ થઈ ગયું છે. આજે અયોધ્યામાં રોજના હજારો નહિ પણ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ રામ મંદિરની મુલાકાત લે છે અને છ મહિનામાં આ આંકડો 11 કરોડ સુધી પહોંચી ગયો છે.
સમગ્ર ઉત્તરપ્રદેશની વાત કરીએ તો અહીના જે જોવાલાયક સ્થળો છે તેમાં ટોપ માં આવતા સ્થળોમાં અયોધ્યા પ્રથમ ક્રમે આવે છે, ત્યારબાદ વારાણસી, પ્રયાગરાજ, મથુરા અને આગ્રાનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા પ્રવાસન વિભાગે જાહેર કરી છે. તે પ્રમાણે ઉત્તર પ્રદેશમાં વર્ષ 2024 નાં પ્રથમ 6 મહિનામાં 32.98 કરોડ પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. જેની સરખામણીએ ગત વર્ષે આ છ મહિનામાં યુપીમાં 19.60 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા.
મતલબ કે આ વર્ષે છ મહિનામાં 13 કરોડ 38 લાખ વધુ પ્રવાસીઓ આવ્યા એમ કહી શકાય. અને તે પણ અયોધ્યા રામ મંદિર બન્યા પછી આ પ્રવાસીઓની સંખ્યા વધી છે. જેણે લઇ અયોધ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશને પર્યટનની દૃષ્ટિએ ફાયદો થયો છે. અને આ પર્યટન થકી આર્થિક સમૃદ્ધિમાં પણ ફાયદો થયો છે. કુલ પ્રવાસીઓ આવ્યા તેમાંથી તેમાં 32 કરોડ 87 લાખ સ્થાનિકો હતા અને 10.36 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જો કે વિદેશી પ્રવાસીઓએ તાજ મહેલ જોવા આગ્રા અને પ્રાચીન ધાર્મિક નગરી વારાણસી શહેર પર પસંદગી ઉતારી હતી. પાછલા છ મહિનાના સમયગાળામાં 7.03 લાખ વિદેશી પ્રવાસીઓએ આગ્રા ની મુલાકાત લીધી હતી. અને 1.33 લાખ વિદેશી પ્રવાસીઓએ વારાણસીની મુલાકાત લીધી હતી. ત્યારે એક સમયે બીમારુ સ્ટેટ ગણાતું ઉત્તર પ્રદેશ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં વિશેષ પ્રયાસો થકી ગ્રોથ એન્જીન તરીકે ઉભરી રહ્યું છે અને લાખો લોકોને સીધી અને આડકતરી રોજગાર અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ રહ્યું છે
જાન્યુઆરીથી જૂન વચ્ચે રાજ્યમાં સૌથી વધુ 10. કરોડ અને 99 લાખ પ્રવાસીઓ અયોધ્યા પહોંચ્યા હતા. જેમાંથી 2,851 વિદેશી પ્રવાસીઓ પણ સામેલ હતા. એટલે કહી શકાય કે અયોધ્યા મંદિરની મુલાકાતે વિદેશીઓનો પ્રવાહ એક ટકાથી પણ ઓછો હતો. આ ગાળામાં વારાણસીમાં 4.61 કરોડ પ્રવાસીઓ આવ્યા છે. જેમાં 1.33 લાખ વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદી સૌપ્રથમ વાર વર્ષ 2014 માં વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટાયા ત્યાર પછી સતત તેમણે વારાણસીના વિકાસ માટે અથાગ પ્રયાસ કર્યા છે. વળી તેઓની વારાણસી લોકસભા સીટની આ સતત ત્રીજી ટર્મ છે આમ વારાણસીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાં તમામ કામોને સતત વેગ મળ્યો છે. વારાણસીમાં સ્થિત જગવિખ્યાત કાશી વિશ્વનાથ મહાદેવ કોરીડોરનાં વિકાસ પછી પણ અહી પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. તેવી જ રીતે ગંગા, યમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ એવા પ્રયાગરાજમાં 4.53 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં 3,668 વિદેશી પ્રવાસીઓ સામેલ છે. એ જ રીતે 49,619 વિદેશી પ્રવાસીઓ સહિત 3.07 કરોડ પ્રવાસીઓએ મથુરાની મુલાકાત લીધી છે.
તો લોકપ્રિય ટુરિસ્ટ સ્થળોમાં પાંચમાં ક્રમે આગ્રાનો તાજમહેલ આવે છે. તાજમહેલ જોવા માટે 76 લાખ પ્રવાસીઓ આગ્રાની મુલાકાતે આવ્યા છે. જો કે નવાઈની વાત એ છે કે મોટા ભાગે કોઈ રાજ્યમાં ત્યાંનું જે પાટનગર હોય તેની મુલાકાત સૌથી વધારે થતી હોય જેમ કે રાજસ્થાનમાં રાજધાની જયપુર કે મહારાષ્ટ્રમાં મુંબઈ. આમ તો લખનૌ એ માત્ર પાટનગર જ નહિ પણ લખનવી તહેજીબ માટે જાણીતું ઐતિહાસિક નગર છે. પરંતુ લખનઉની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યા માત્ર 35.14 લાખ હતી. તેમાં 7,108 વિદેશી પ્રવાસીઓ હતા. . પ્રવાસન મંત્રાલયના આંકડા મુજબ ગયા વર્ષે 48 કરોડ પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા 60 કરોડને પાર થવાની આશા છે.
હિંદુ ધર્મ અનુસાર મંદિર એ માત્ર પુજાના સ્થાન તરીકે નહિ પરંતુ ધર્મ અર્થ કામ મોક્ષ આ ચારેય બાબતને તર્કસંગત બનાવે છે. આજે અયોધ્યા રામ મંદિર બનવાથી અયોધ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં લાખો લોકોને રોજગાર પ્રાપ્ત છે. રહ્યા છે. બાંધકામ ક્ષેત્રે મોટી તેજી આવી છે. અયોધ્યા અને ત્યાં જવાના નેશનલ અને સ્ટેટ હાઇવે પર ઠેરઠેર હોટલો, રેસ્ટોરાં બની રહી છે. ધર્મશાળાઓ બની રહી છે. અયોધ્યામાં આધુનિક રેલવે સ્ટેશન બન્યું છે. જ્યાં દેશભરમાંથી મુસાફરો અહી આવે છે. તો નવું બનેલું અયોધ્યા એરપોર્ટ થકી યાત્રા ગણતરીના કલાકોમાં પાર પાડવી સરળ બની છે. આ ઉપરાંત સમગ્ર અયોધ્યામાં પ્રવાસીઓને ધ્યાનમાં રાખી આધુનિક શોપિંગ મોલ નિર્માણ પામી રહ્યા છે. મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ, પ્લમ્બર, કડીયાકામ, મજુરો, કલરકામ વાળાની માંગમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. માંગ પુરવઠાના નિયમ અનુસાર લેબર માંગ વધતા તેમના વેતનમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. તો મોટા મોટા પ્રોજેક્ટ હેન્ડલ કરવા મેનેજર, સુપરવાઈઝર, એન્જીનીયરની માંગ વધી છે. લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે ત્યારે બાળકો, વૃદ્ધોનાં આરોગ્ય ની પણ વિશેષ કાળજીની જરૂર પડે છે, જેણે લઈને ડોક્ટર અને પેરા મેડીકલની માંગમાં વધારો થયો છે. સમગ્ર અયોધ્યામાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇ સ્વચ્છતા ને સફાઈ પર પણ વિશેષ ધ્યાન રાખવું પડે જેણે લઈને સફાઈ કર્મીઓને પણ સારા પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ થઇ રહી છે.
હોસ્પિટાલીટી ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. હોટલો અને રેસ્ટોરાંમાં ખુબ મોટા પાયે વેઈટર, હાઉસ કીપિંગ, કુક, હોટલ મેનેજરની રોજગારની તકો વિસ્તરી રહી છે. વિદેશી પ્રવાસીઓ તથા ભારતના અન્ય રાજ્યના લોકોને ભાષાની સમજ પડે તે માટે વિવિધ ભાષા જાણતા હોય તેવા ગાઈડની રોજગારી શક્ય બની છે. અયોધ્યામાં એવા અનેક લોકો છે કે જેઓ ટુરિસ્ટ ને અમુક દિવસ માટે તેમના ઘરે પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાની સુવિધા પુરી પાડતા થયા છે અને વધારાની આવક મેળવતા થયા છે. તો ફેરી અને લારી ચલાવતા લોકોની આવકમાં ઉછાળો આવ્યો છે. ધાર્મિક વિધિ માટે જરૂરી એવા ફૂલો, પૂજાપા વગેરેની માંગમાં ઉછાળો આવ્યો છે. રીટેલરની આવક વધી રહી છે. સ્ટ્રીટ વેન્ડરને રોજગાર પ્રાપ્ત થઇ રહ્યો છે. અને આ બધી વસ્તુઓના વેચાણ થકી સરકારને ટેક્સ રૂપી આવક થઇ રહી છે. નેશનલ હાઇવે પર ટોલ ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. આગામી 10 વર્ષમાં અયોધ્યાના વિકાસ પાછળ કુલ મળીને સરકાર દ્વારા 8500૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આમ વિઝનનો અસરકારક અમલ કરવામાં આવે તો સફળતા કદમ ચૂમે, એવું અયોધ્યા માટે ચોક્કસ કહી શકાય.