Site icon Revoi.in

કચ્છના નાના રણમાં અગરિયાઓ અસહ્ય ગરમીમાં પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. જિલ્લાના ખારાઘોડા, પાટડી અને ધ્રાંગધ્રા અને દસાડાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ અફાટ ગણાતા રણ વિસ્તારમાં ઘોમધખતા તાપમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉનાળાની સીઝનમાં અગરિયાઓ સૌથી વધુ પીવાના પાણીની સમસ્યા ભોગવતા હોય છે. જોકે સરકાર દ્વારા રણમાં ટેન્કરો મોકલીને પીવાનું પાણી પહોંચાડાતું હોય છે. પરંતુ રણના કેટલાક વિસ્તારોમાં પાણીના ટેન્કરો પહોંચતા નથી, દસાડા તાલુકાના નવી નારણપુરા રણ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી અગરિયાઓ પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રણ વિસ્તારમાં  ઉનાળાની આકરી ગરમીમાં અગરિયાની હાલત વધુ કફોડી જોવા મળી રહી છે. કચ્છના નાના રણમા સફેદ મીઠુ પકવતા ગરીબ અને પછાત અગરીયાઓ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે, ગુજરાતમા સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચ્યું છે, ત્યારે આકરા ઉનાળામાં અગરિયાઓ પીવાના પાણી માટે તરસી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ મારફતે પીવાના પાણીના ટેન્કર સમયસર ન પહોંચાડવામાં આવતા છેલ્લા 20 દિવસથી નવી નારણપુરા રણ વિસ્તારમાં અગરીયા પાણી માટે તરસી રહ્યા છે. આથી કચ્છના નાના રણમાં આગ ઓકતી કાળઝાળ ગરમીમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયને ટેન્કરો દ્વારા સમયસર પીવાનું પાણી પૂરું પાડવામાં આવે એવી વ્યાપક માંગ રણમાં પરંપરાગતરીતે મીઠું પકવાતા અગરીયા સમુદાયે ઉઠાવી છે.

સૂત્રોના કહેવા મુજબ રણમાં પીવાનું પાણી પહોંચાડવા માટે સરકારે ટેન્કરો માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાં કોન્ટ્રાક્ટરોને બાકી બિલનું સમયસર રકમ ન ચુકવાતા કોન્ટ્રાક્ટરો દ્વારા ટેન્કરો મોકલવાનું બંધ કરી દેવામાં આવે છે. તેથી અગરિયાઓને તરસ્યા રહેવાનો વારો આવે છે.  (File photo)