ભૂજઃ કચ્છના રણમાં દરવર્ષે દેશ-વિદેશના અનેક પક્ષીઓનો નઝારો જોવા મળતો હોય છે. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ –શિયાળો ગાળવા આવે છે. ત્યારે કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી હતી. વેરાન રણમાં અસ્તિત્વમાન 74 જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે. દર વર્ષે હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસુ-શિયાળો ગાળવા આવે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યા છે.
કચ્છમાં મોટારણમાં ખલેલ પડતી હોવાથી વિદેશી પક્ષીઓએ હવે રહેઠાણ માટે નાનુ રણ પસંદ કર્યુ છે. સુરખાબ દર વર્ષે કચ્છના મોટા રણમાં શિયાળો ગાળવા આવવાની સાથે હજારોની સંખ્યામાં લાઇનબદ્ધ અનોખી માળા વસાહત બનાવી ઇંડાઓનું સંવનન કરી હજારોની સંખ્યામાં બચ્ચાઓને જન્મ આપી માનવીય ખલેલથી પર એવા રણમાં ઉડતા શીખવાડી બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરી પોતાના માદરે વતન પરત ફરે છે. પણ 1998 બાદ આ વર્ષે કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી છે.
જાણીતા પક્ષીવિદોના કહેવા મુજબ દર વર્ષે 16 જૂનથી 15 ઓકટોબર સુધી ચાર મહિના સંવનનકાળનો સમયગાળો હોવાથી ઘૂડખર અભ્યારણ સહિતના ગુજરાતનાં તમામ અભ્યારણો પ્રવાસીઓ માટે સદંતર બંધ રહે છે. 16 ઓકટોબરથી ઘૂડખર સહિતના ગુજરાતનાં તમામ અભ્યારણો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે. સુરખાબ પક્ષીઓ સમૂહમાં માળા બનાવે છે. ચારે બાજુએ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી 40થી 45 ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડા મૂકે છે. જેથી સંવનન બાદ બચ્ચા નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાઓને ઉડતા શીખવાડી ચોમાસા બાદ બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરે છે. નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જીલંધર બેટમાં નોંધાઇ હતી. આ વસાહત 250 જેટલા એકરમાં નોંધાઇ હતી. તેમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગષ્ટ-1998માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં 25 હજારથી 30 હજાર જેટલા માળા, 30 હજાર જેટલા પુખ્ત ઉંમરના પક્ષીઓ અને 25 હજાર જેટલા બચ્ચાં હતા.