Site icon Revoi.in

ટેન્કરથી અગરિયાઓ માટે પાણી મોકલાય છે, પણ ટેન્કચાલકો પાણી ન પહોંચાડીને રોકડી કરી લે છે

Social Share

મોરબીઃ ઉનાળાની અસહ્ય ગરમીએ સૌને અકળાવી મુક્યા છે. ત્યારે જિલ્લામાં પાણીની સમસ્યા ઠેર ઠેર જોવા મળે છે. જેમાં હળવદના રણકાંઠા વિસ્તારમાં અંતરિયાળ વસવાટ કરી મીઠું પકવતા અગરિયાઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. સરકારી ચોપડે તંત્ર દ્વારા ટેન્કર દોડતા કરાયા છે, પરંતુ અગરિયાઓ પાસે રૂપિયા 200 – 200ની માંગણી કરી ટેન્કર ચાલકો છેલ્લા દસેક દિવસથી પાણી ન પહોંચાડતા હોય ટીપાં પાણી માટે અગરિયાઓની કિલોમીટરની રઝળપાટ કરવી પડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હળવદના રણકાંઠા વિસ્તારમાં સેંકડો અગરિયા પરિવાર રોજી રોટી મેળવવા સમાજથી અળગા બની ધોમધખતા તાપમાં કાળી મજૂરી કરતા હોય છે. અગરિયાના પરિવારો માટે સરકાર દ્વારા પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે મસ મોટી જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ખરા અર્થમાં અહીં આવી સુવિધા માત્ર કાગળ ઉપર જ સીમિત રહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને હાલમાં હળવદ તાલુકાના અજિતગઢ બોળા રણમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીના ટેન્કર બંધ કરી દેવામાં આવ્યા છે અને જો અગરિયા પરિવાર 200 – 200 રૂપિયા આપે તો જ પાણી પહોંચાડવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી રણમા અગરીયા પરિવારોને પાણી પહોચાડવાનુ બંધ થતાં હાલમાં અગરિયાઓને દુર – દુર સુધી પાણી માટે રઝળપાટ કરવી પડતી હોવાનું બહાર આવ્યું છે. અગરિયાઓને પાણી ન પહોંચાડતા ટેન્કરચાલકો સામે પગલાં લેવાની માગ ઊઠી છે. ઘણા ટેન્કરો કોન્ટ્રાક્ટથી લેવામાં આવ્યા છે. આવા ટેન્કરચાલકોની દાદાગીરી સામે અદિકારીઓ પણ મૌન બની ગયા છે.