નવી દિલ્હીઃ ભારતના પ્રવાસે આવેલી શ્રીલંકા ટીમ સાથે ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ 4 માર્ચથી રમાશે. મોહાલીમાં રમાનારી ટેસ્ટ મેચ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના કેરિયરની 100મી ટેસ્ટ મેચ હશે. આમ વિરાટ કોહલી 100થી વધારે ટેસ્ટ રમનારા 12માં ખેલાડી બનશે. બીજી તરફ આ ટેસ્ટમાં વિરાટ કોહલી વિરાટ રેકોર્ડ પણ બનાવી શકે છે. મોહાલીમાં જો વિરાટ કોહલી 38 રન બનાવશે તો તેઓ કેરિયરના 8000 રન બનાવનારા ખેલાડી બની જશે. આવુ કરનાર તેઓ ભારતના છઠ્ઠા ખેલાડી હશે. સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ, સુનિલ ગાવસ્કર અને વીરેન્દ્ર સહેવાગે ટેસ્ટમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધારે રન બનાવ્યાં છે.
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેડુંલકરે 154 ઈનિંગ્સમાં 8000 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે રાહુલ દ્રવિડે 158, સહેવાગે 160 અને સુનિલ ગાવસ્કરે 166 ઈનિંગ્સમાં 8000 રનના આંકડાને પાર કર્યો હતો. જેથી તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર હવે વિરાટ કોહલીના આ રેકોર્ડ ઉપર મંડાયેલી છે. વિરાટ છેલ્લા બે વર્ષમાં એક પણ શદી નોંધાવી શક્યો નથી. કોહલીએ છેલ્લી સદી વર્ષ 2019માં બાંગ્લાદેશ સામે ફટકારી હતી. 2021માં ભારતમાં જ રમાયેલી પાંચ ટેસ્ટમાં કોહલીએ 26ની એવરેજથી માત્ર 208 રન બનાવ્યાં હતા. તેમજ 3 વાર તેઓ ઝીરો રન ઉપર આઉટ થયા હતા. કોહલીએ શ્રીલંકા સામે વર્ષ 2017માં છેલ્લી ટેસ્ટ સીરિઝ રમી હતી. તે દરમિયાન કોહલીએ 3 ટેસ્ટમાં 610 રન બનાવ્યાં હતા. કોહલીએ બે વાર સતત બેવડી સદી ફટકારી હતી. તેમણે શ્રીલંકા સામે સતત 3 સદી પણ ટેસ્ટમાં ફટકારી છે. હવે તેમના પ્રશસંકો ચાર માર્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
(PHOTO-FILE)