નર્મદા નદીમાં ભરૂચથી સમુદ્રકાંઠાના જોગેશ્વર ગામ સુધી પાણીના કરેલા પરિક્ષણમાં ખારો પાટ 65 કિ.મી ઘટ્યો
વડોદરાઃ સરદાર સરોવરમાંથી સમયાંતરે નદીમાં પાણી છોડાતું હોવાથી નર્મદાના ખારા પાટમાં 65 કિમિ.નો ઘટાડો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળની શુદ્ધતામાં જબ્બર વધારો થયો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. જીપીસીબી દ્વારા નર્મદા નદીના પાણીના અલગ અલગ 13 સ્થળો પરથી નમૂના લઈ કરાયેલી તપાસમાં પાણી A ગ્રેડનું હોવાનું પ્રમાણ મળ્યુ છે. એટલે કે હાલ નદીનું પાણી ફિલ્ટર કર્યા વગર પણ પીવાલાયક બન્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ છેલ્લા ત્રણ વર્ષથી તેની પૂર્ણ સપાટી 138.68 મીટરે સંપૂર્ણ ભરાઈ રહ્યો છે. જેના મીઠા ફળ હવે 168 KMના ડાઉનસ્ટ્રીમમાં જોવા મળી રહ્યાં છે. એક તબક્કે નીચાણવાસમાં અસ્તિત્વ ગુમાવી દેનાર નર્મદા નદી આજે ભર ઉનાળે ફરી બે કાંઠે વહેવા સાથે તેના જળ પીવા, ખેતીલાયક તેમજ જળ અને જીવસૃષ્ટિ માટે ફરી જીવનદાયી બની ગયા છે.
દેશ અને દુનિયામાં છેલ્લા બે વર્ષથી ચાલતી કોરોના મહામારીએ અનેક ખાના ખરાબી સર્જવા સાથે હજારો-લાખો લોકોને મૃત્યુ નિપજાવ્યા છે. જોકે, કોરોના લોકડાઉન વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી માઁ રેવા ડેમથી ડાઉન સ્ટ્રીમમાં 168 કિલોમીટરમાં 70 વર્ષ બાદ ફરી જીવનદાયીની, નિર્મળ, શુદ્ધ, સ્વચ્છ અને સીધા પીવા યોગ્ય બની છે. વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીને જીવંત નદીનું બિરૂદ અપાયું છે. મધ્યપ્રદેશના અમરકંટકથી ભરૂચ જિલ્લાના સમુદ્ર સંગમ 1312 કિલોમીટરમાં નીચાણવાસમાં છેલ્લા કેટલા વર્ષોથી નર્મદા નદી મૃત પર્યાય બનતા જળ, જીવન, ઉદ્યોગો, ખેતી સાથે નવ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.
નર્મદા નદીમાં આગળ વધતા દરિયા અને ખારાશના કારણે તમામ ક્ષેત્ર પ્રભાવિત થવા સાથે લોકોનું જીવન સાથે જળ, જમીન, જીવ તેમજ જળસૃષ્ટિ ઉપર પણ ખતરો વર્તાયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની તેની સર્વોચ્ચ સપાટી એ પૂર્ણ થયા બાદ 30 દરવાજા મુકાતા હવે છેલ્લા ત્રણ વર્ષથી 168 KMના નીચાણવાસમાં નર્મદા નદી ફરી જીવંત થવા સાથે ખેતી, ઉદ્યોગો, જળ અને જીવન ફરી ધબકતા થયા છે. ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીના નીર હવે 70 વર્ષ બાદ ફરી નિર્મળ, શુદ્ધ અને સીધા જ પીવા યોગ્ય બન્યા છે. નર્મદાનું નીર એટલું શુદ્ધ થઈ ગયું છે કે, હવે તે કોઈ પણ ફિલ્ટર વિના પી શકાય છે. તેમાં ખનિજ તત્વો પણ ભરપુર છે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ વિભાગના નર્મદાના પ્રવેશ બિંદુ ઓરપટારથી અરબી સમુદ્ર સંગમ જાગેશ્વર ગામ સુધી 13 સ્થળોના નમૂનાઓની તપાસમાં આ હકીકત સામે આવી છે.GPCBના 13 સ્થળોએ સેમ્પલોમાં પેહલી વખત 70 વર્ષ બાદ નર્મદામાં પાણી A કેટેગરીનું હોવાનું જણાયું છે. તેનાથી સસ્પેન્ડેડ સોલિડ્સ, બેક્ટેરિયા અને બાયોકેમિકલ્સનું પ્રમાણ ઘટી ગયું છે. પાછલા વર્ષોની તુલનામાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ વધ્યું છે.