Site icon Revoi.in

કેન્દ્રીય બજેટમાં પરિવહન મંત્રાલય માટે સૌથી વધારે રૂ. 544128 કરોડની જોગવાઈ

Social Share

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. સીતારમણના જણાવ્યા અનુસાર બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ફોકસ રાખવામાં આવ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ સામાન્ય બજેટમાં મંત્રાલય માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. મોદી સરકાર દ્વારા મંત્રાલયો માટે કેટલા પૈસાની નાણાની જોગવાઈ કરવામાં આવી છે.

2024-25ના બજેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને સૌથી વધુ નાણાં મળ્યા છે. આ મંત્રાલય નીતિન ગડકરી પાસે છે. નીતિન ગડકરીના પરિવહન મંત્રાલય માટે બજેટમાં 544128 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ યાદીમાં રક્ષા મંત્રાલય બીજા સ્થાને છે, જે રાજનાથ સિંહની પાસે છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે 454773 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અમિત શાહના ગૃહ મંત્રાલય માટે 150983 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

શિવરાજ સિંહ ચૌહાણના કૃષિ મંત્રાલય માટે બજેટમાં 151851 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલય માટે 89287 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ મંત્રાલય જેપી નડ્ડા પાસે છે આ સિવાય ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રાલય માટે 125638 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલય માટે 22155 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિકાસ માટે બજેટમાં 82577 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

આ સિવાય ઉર્જા મંત્રાલય માટે 68769 કરોડ રૂપિયા અને આઈટી અને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય માટે 116342 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ માટે 265808 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. લોકસભામાં 2024-25નું બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે, આ વર્ષે ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.