અમેરિકામાં 7 વર્ષમાં ભારતીય મૂળના લોકોની વસ્તી 38 ટકા સુધી વધી, 2020માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મહત્વની રહેશે ભૂમિકા
વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તી 2010થી 2017ના સાત વર્ષના ગાળામાં 38 ટકા જેટલી વધી છે. સાઉથ એશિયન અમેરિકન લીડિંગ ટુગેધર – સોલ્ટના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 6.30 લાખ ભારતીય મૂળના લોકો અહીં ગેરકાયદેસર રીતે રહે છે. આ તમામ લોકોના વીઝા સમાપ્ત થઈ ચુક્યા છે. 2010 બાદથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની સંખ્યામાં 78 ટકાનો વધારો થયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયાના દેશોના લગભગ 50 લાખ લોકો કાયદેસર રીતે અમેરિકામાં રહે છે. 2010થી 2017 દરમિયાન અમેરિકામાં નેપાળીઓની સંખ્યામાં સૌથી વધુ 206.6 ટકાનો વધારો થયો છે. 2010-17 દરમિયાન ભૂટાની 38 ટકા, પાકિસ્તાની 33 ટકા, બાંગ્લાદેશી 26 ટકા અને શ્રીલંકાના લોકોની સંખ્યામાં 15 ટકાનો વધારો થયો છે.
કરન્ટ પોપ્યુલેશન સર્વે પ્રમાણે 2016ની અમેરિકાની ચૂંટણીમાં એશિયાના દેશોના 49.9 ટકા લોકોએ વોટિંગ કર્યું હતું. 2001માં જ્યાં દક્ષિણ એશિયાના મૂળના વોટરોની સંખ્યા 20 લાખ હતી, તો 2016માં તે વધીને 50 લાખ સુધી પહોંચી ચુકી છે. તેમાં 15 લાખ ભારતીયો છે. પાકિસ્તાની મૂળના વોટરોની સંખ્યા 222252 અને બાંગ્લાદેશીઓ 69825 છે.
રિપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયાના દેશોના દશ ટકા લોકો એટલે કે 4.72 લાખ લોકો ગરીબીમાં જીવન ગુજારો કરવા મજબૂર છે. આવા લોકોમાં 15.8 ટકા પાકિસ્તાની, 23.9 ટકા નેપાળી, 24.2 ટકા બાંગ્લાદેશી અને 33.3 ટકા ભૂટાની છે. બાંગ્લાદેશ અને નેપાળના લોકો અમેરિકામાં સૌથી વધુ ખરાબ સ્થિતિમાં છે.
સાલ્ટનું કહેવું છે કે અમેરિકામાં શરણ લેનારા દક્ષિણ એશિયાના દેશોના લોકોની સંખ્યા દશ વર્ષોમાં વધી છે. યુએસ ઈમિગ્રેશન, કસ્ટમ ઈન્ફોર્સમેન્ટ વિભાગ આ લોકોન વિરુદ્ધ કાર્યવાહી પણ કરી રહી છે. 2017 બાદથી એશિયાના દેશોના 3013 લોકોને બંદી બનાવવામાં આવ્યા છે. ઓક્ટોબર-2014થી એપ્રિલ-2018 દરમિયાન બોર્ડર પોલીસે એશિયન મૂળના 17119 લોકોને કસ્ટડીમાં લીધા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1997 બાદથી એચ-1બી વીઝાધારકોના 17 લાખ આશ્રિતોને એચ- વીઝા જારી કરાયા છે. 2017માં જ 1.36 લાખ લોકોને એચ-4 વીઝા મળ્યા છે. તેમાથી 86 ટકા દક્ષિણ એશિયાના દેશોમાં રહેતા લોકો છે.