Site icon Revoi.in

ખારાઘોડાના અફાટ રણમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો, ઘૂડસર માટે હવાડાઓ ભરાયાં

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં તાપમાન 41 ડિગ્રીએ પહોચ્યુ છે. જેમાં ખારાઘોડાના રણ વિસ્તારમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચ્યો છે. અસહ્ય ગરમીમાં અગરિયાઓની હાલત કફોડી બની રહી છે. હાલમાં રણમાંથી જેસીબી અને ડમ્પરો દ્બારા મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આકરા ઉનાળાના ધોમધખતા તાપમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો શેકાય રહ્યા છે.  બીજી બાજુ રણ વિસ્તારના અભયારણ્યમાં ઘૂડસર સહિત પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા હવાડા બનાવવામાં આવ્યા છે અને અંદાજીત 40થી વધુ હવાડા તેમજ પાણીની કુંડીઓ ભરવામાં આવી રહી છે.

કચ્છના નાના રણ કરીકે ઓળખાતા ખારાઘોડાના અફાટ રણમાં તાપમાનનો પારો 43 ડીગ્રીને પાર કરી 44 ડીગ્રીને વટાવી ગયો છે. હાલમાં જેસીબી અને ડમ્પરો દ્વારા રણમાંથી મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આકરા ઉનાળાના ધોમધખતા તાપમાં રણમાં મીઠું પકવતા અગરિયા સમુદાય અને મીઠું ખેંચવાની સીઝનમાં વ્યસ્ત મીઠાના કામદારોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. હજી આગામી મે-જૂન મહિનાના દિવસોમાં તાપમાનમાં વધારો થશે. અગરિયાઓને પણ ટેન્કરો દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત ઘૂડખર સહિતના વન્ય જીવો માટે પીવાના પાણીની સુવિધાઓ ઉભી કરાઇ છે. આ ઘૂડખર અભયારણ્યમાં અંદાજીત 40થી વધુ હવાડા તેમજ પાણીની કુંડીઓ ભરવામાં આવી છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર ઘોષિત કર્યો હતો. જ્યારે સને 1978માં કચ્છના મોટા રણનો થોડો ભાગ ઉમેરીને કુલ 4953.71 ચો.કિ.મી.વિસ્તાર રણનું વિશિષ્ટ પ્રાણી ઘૂડખર હોઇ ઘૂડખર અભયારણ્યના નામે રક્ષિત કરવામાં આવ્યું હતુ. ત્યારે હાલ રાજ્યમાં આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે. અને આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમી પણ પડી રહી છે. ત્યારે રણ વિસ્તારમાં નિલગાય, ઘુડખર સહિતના સસ્તન પ્રાણીઓ તેમજ પક્ષીઓ માટે બનાવેલા હવાડાને  ટેન્કરો દ્વારા પાણીથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના નાના રણમાં ચાર રેન્જ ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલી છે. ત્યારે આ વિસ્તારમાં આવેલા અબોલ પશુઓ, પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે અભયારણ્ય વિભાગ દ્વારા ટેન્કર દ્વારા પાણીથી હવાડા ભરવામાં આવ્યા છે. આ અભયારણ્યમાં અંદાજીત 40થી વધુ અવાડા તેમજ પાણીની કુંડી ભરવામાં આવે છે. આ રણના વિસ્તારને પાંચ જિલ્લાની બોર્ડર જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી,બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.