અમરેલીઃ જિલ્લાના જાફરાબાદ તાલુકામાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. અમરેલી જિલ્લાને નર્મદા યોજનાનો લાભ મળ્યો નથી. પાણી માટે કૂવા કે બોરનો આધાર રાખવો પડે છે. એટલે પાણીના તળ ઊડા ઉતરી ગયા છે. જેમાં જાફરાબાદના ગામડાઓમાં કૂવા અને બોરમાં પાણીના તળ ખાલી થઈ ગયા છે. જેના કારણે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં પાંચ દિવસે બે કલાક મહિપરી યોજનાનું પાણી વિતરણ કરવામાં આવે છે. અહીં પુરતું પાણી ન મળતું હોવાથી લોકોની સ્થિતિ કફોડી બની છે.
તાલુકાના સ્થાનિક આગેવાનોના કહેવા મુજબ જાફરાબાદ પંથકના ગામડાઓમાં અત્યારે પાણીનો પોકાર ઊભો થયો છે. કૂવા અને બોર ખાલીખમ છે. પાણી વિનાના વાડીઓમાં ઉછેરેલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. જાફરાબાદના ગામડાઓમાં મહિપરી યોજનાનું પાણી પાંચ દિવસે વિતરણ કરવામાં આવે છે. જે પણ બે કલાક વિતરણ થઈ રહ્યું છે. દરિયાકાંઠે આવેલા વડેરા, બાબરકોટ, રોહિસા, મિતિયાળા, લુણસાપુર સહિતના ગામડાઓમાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. વૃક્ષો સુકાય રહ્યા છે. પશુઓ માટે પીવાનું પાણી નથી. લોકોને પીવા માટે મહિપરી યોજના જ આધારભુત છે. પાણી પુરવઠા દ્વારા પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે પશુ કે વૃક્ષોને પાણી આપવું તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે જાફરાબાદના ગામડાઓમાં મહિપરી યોજનામાં પાણી વિતરણનો સમય વધારવા માટે લોકો માગણી કરી રહ્યા છે.
જાફરાબાદના નાગેશ્રી, કંથારીયા, સરોવરડા, કાગવદર, બાલાનીવાવ, મીઠાપુર, કોળી કંથારીયા, દુધાળા, ભટવદર, એભલવડ જેવા ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે નવા બોરીંગ બનાવવા માટે પણ ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ રજુઆતો કરી છે. (file photo)