Site icon Revoi.in

દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘમકી, પોલીસ તંત્ર એલર્ટ થયું

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ધમકી મળ્યા બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે મોડી રાત્રે સરોજિની માર્કેટ સહિત અનેક માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ધમકીને ગંભીરતાથી લઈને ચેકીંગ વધારે તેજ કર્યું છે. આ ઉપરાંત કેટલાક અસાજીકતત્વોને રાઉન્ડઅપ કરીને તેમની પૂછપરછ પણ શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીએ જણાવ્યું કે તહરીક-એ-તાલિબાનના નામે કેટલાક લોકોને ધમકીભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા હતા, જેમાં દિલ્હીમાં બ્લાસ્ટ કરવાની વાત કહેવામાં આવી છે. આ લોકોએ આ ઈ-મેઈલ અંગે ઉત્તર પ્રદેશ પોલીસને ફરિયાદ કરી હતી. યુપી પોલીસે તરત જ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરી હતી. હુમલાની ઈનપુટ મળતાં જ દિલ્હી પોલીસે સંવેદનશીલ સ્થળોએ ફોર્સ વધારી દીધો હતો. તેમજ સરોજિની નગર માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીના કેટલાક અન્ય બજારોમાં પણ આ જ પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે કહ્યું, ‘અમારી ટીમ સરોજિની માર્કેટમાં સાવચેતીભર્યા સર્ચ ઓપરેશન માટે ગઈ હતી.

દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘમકીને પગલે સમગ્ર દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તેમજ પેટ્રોલીંગ અને સઘન વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હોટલો અને ગેસ્ટ હાઉસમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.