નવી દિલ્હીઃ ભારતમાં હાલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાનનો દેખાવ ખુબ ખરાબ રહ્યો છે. જેથી પાકિસ્તાનની જનતામાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફએ વર્લ્ડકપમાં આશા ઉપર ખરો ઉતર્યો નથી. તેની બોલિંગ ઉપર હરિફ ટીમના બેસ્ટમેન સરળતાથી રન બનાવી રહ્યાં છે. પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર વિકેટ માટે વલખા મારી રહ્યો છે. વેસ્ટઈન્ડિઝના પૂર્વ ખેલાડી સેમ્યુઅલ બદ્રીએ હારિસની બોલિંગને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, હારિસ રઉફ આ વર્લ્ડકપમાં મોંઘો બોલર સાબિત થયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, હારિસ રઉફની બોલિંગમાં હરિફ ટીમના બેસ્ટમેન ખુબ રન બનાવી રહ્યાં છે. આ વર્લ્ડકપમાં સૌથી વધારે સિક્સર ખાનાર બોલર છે. હારિસ રઉફની બોલિંગમાં વધારે સિક્સર લાગી રહી છે. અત્યાર સુધીમાં હારિસની બોલિંગમાં વિપક્ષી ટીમના બેસ્ટમેનોએ 14 સિક્સર ફટકારી છે. તેમજ હારિસની ઈકોનોમી ખુબ ખરાબ રહી છે. હારિસની બોલિંગમાં બેસ્ટમેન સરળતાથી રન બનાવી રહ્યાં છે, બીજી તરફ હારિસ વિકેટ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
આ વર્લ્ડકરમાં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું છે. પ્રથમ છ મેચમાંથી માત્ર બે મેચ જ જીતી શક્યું છે. જ્યારે ચાર મેચમાં પાકિસ્તાનનો પરાજ્ય થયો છે. પાકિસ્તાનના ખેલાડીઓ ભારત ઉપરાંત અફઘાનિસ્તાનને પોતાના કટ્ટર હરિફ માની રહ્યાં છે. બીજી તરફ બંને ટીમોએ પાકિસ્તાનને કારમો પરાજ્ય આપતા પાકિસ્તાનની જનતામાં પણ રોષ ફેલાયો છે.