Site icon Revoi.in

મહારાષ્ટ્રના આ કોર્પોરેશનમાં કોરોનાની રસી નહીં લેનાર કર્મચારીને નહીં ચુકવાય પગાર

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે મહાનગરપાલિકા (ટીએમસી)એ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ નહીં લેનાર કર્મચારીઓને વેતન નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ટીએમસીના સિનિયર અધિકારીઓએ એક બેઠકમાં આ નિર્ણય લીધો છે. બેઠકમાં મહાનગરપાલિકાના આયુક્ત ડો. વિપિન શર્મા અને થાણેના મેયર નરેશ મ્હાસ્કે પણ ઉપસ્થિત રહ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર મનપાના જે કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ નહીં લીધો હોય તેમને વેતન આપવામાં નહીં આવે. એટલું જ નહીં રસીનો બીજો ડોઝ લેવા પાત્ર કર્મચારીઓએ પણ બીજો ડોઝ નહીં લીધો હોય તેમને પણ સેલરી આપવામાં આવશે નહીં. ટીએમસીના તમામ કર્મચારીઓએ રસીકરણ પ્રમાણપત્ર સંબંધિત કાર્યાલયમાં જમા કરવાના રહેશે.

મહાનગરપાલિકાના મેયરએ જણાવ્યું હતું કે, શહેરમાં આ મહિનાના અંત સુધીમાં 100 ટકા રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે પગલા લેવામાં આવ્યાં છે. 100 ટકા રસીકરણના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાણ ઇલાજ કોરોના વિરોધી રસી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં 100 કરોડથી વધારે કોરોના રસીના રોજ દેશની જનતાને આપવામાં આવ્યાં છે. હાલ દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં બાળકો માટે પણ કોરોના રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. હાલ બાળકોની રસીને લઈને અંતિમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.