થરાદ પંથકમાં કેનાલમાં ત્રણ સ્થળોએ ગાબડાં પડતા ખેતરોમાં પાણી ભરાયા
પાલનપુર : જિલ્લાના થરાદ તાલુકાના ભોરલ પાસે કેનાલમાં મોટુ ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ત્યારે પાણી તો વેડફાયું જ છે સાથે સાથે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. ગાબડું પડી જતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ ગયું છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવુ પડ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કેનાલમાં આ 200 થી વધુ ગાબડાં પડવાની ઘટના બની છે.
બનાસકાંઠા જિલ્લાની કેનાલમાં ગાબડા પડ્યાની ઘટનાઓ અએવાર-નવાર બનતી હોય છે. નવા વર્ષના આરંભમાં જ કેનાલમાં ગાબડા પડ્યા હતા. કેનાલમાં પાણી છોડતાં સાથે જ કેનાલમાં બે જગ્યાએ ગાબડા પડ્યા હતા. તેમાં સુઈગામ પાસે પનેસડા નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. તો બીજું ગાબડું ભાભર પાસે આવેલા કારેલા નજીક પડ્યું હતું. માઇનોર કેનાલમાં 12 ફૂટ થી મોટુ ગાબડું પડ્યું હતું. તો આ ત્રીજું ગાબડું સામે આવ્યું છે. જે ભોરલ પાસે કેનાલમાં પડ્યું છે. ત્યારે પાણી છોડાતા અવારનવાર પડતા ગાબડા કેનાલના કામની ગુણવત્તા છતી કરી છે. તો આ ગાબડાથી ખેડૂતોના ખેતરો ભરાઈ જતા હોય છે. પાણી ભરાઈ જતા નુકસાન પણ જતું હોય છે. ક્યારેક વરસાદ, ક્યારેક દુષ્કાળ તો ક્યારેક આવા ગાબડા પડવાની ઘટનાઓમાં થયેલા નુકસાનમાં જ ખેડૂતો દબાયેલા જોવા મળી રહ્યા છે. કેનાલોમાં ગાબડાંથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. અને રજાઓને લીધે સરકારી કચેરીઓ પણ બંધ હતી તેથી ખેડુતો સિંચાઈ વિભાગામાં રજુઆત પણ કરી શક્યા નહતા.