Site icon Revoi.in

સુરતમાં અકસ્માતના બે બનાવોમાં ટ્રકની ટક્કરથી 2 સાયકલસવારોના મોત

Social Share

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં એક જ દિવસમાં અકસ્માતોના બે બનાવોમાં બે સાયકલસવારોના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસામતનો બનાવ શહેરના અડાજણમાં મધુવન સર્કલ પાસે સાયકલને ટ્રકે ટક્કર મારતા કાપડ વેપારીના વૃદ્ધ પિતાનું મોત થયુ હતું. જ્યારે બીજા બનાવમાં ઉના પાટીયા નજીક સાયકલ પર ખમણ વેચવા વૃદ્ધને  ટ્રકે અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બન્ને બનાવોમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ અકસ્માતના બનાવની પોલીસ સૂત્રોમાંથી એવી વિગતો મળી છે કે, શહેરના અડાજણમાં સંજીવકુમાર મોટીરીયલ પાસે રાજહંસ વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા 78 વર્ષીય ગ્યાનચંદ લેખરાજ છતાણી બપોરે સાયકલ પર કોઈ કામ અર્થે નિકળ્ય હતા. તે સમયે આ અડાજણમાં એલ.પી સવાણી રોડ મધુવન સર્કલ પાસે ટ્રકે સાયકલને ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થતાં સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે નિવૃત જીવન ગાળતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને ચાર પુત્ર છે. જેમાં એક પુત્ર કાપડાના ધંધા સાથે સંકળાયેલો છે. આ અંગે અડાજણ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના બીજા બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  ઉન પાટિયા ચાર રસ્તા પર સાઇકલ સવાર વૃદ્ધ રસ્તો ક્રોસ કરવા જતા પૂરપાટ ઝડપે આવતા ટ્રકચાલકે ટક્કર મારી કચડી નાખ્યા હતા. ટ્રકના ટાયર વૃદ્ધ પર ફરી વળતાં શરીરના ટુકડા થઈ ગયા હતા  આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના  ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન ટાઉનશિપ ખાતે 65 વર્ષીય પ્રભાકર પરિવાર સાથે રહે છે. વૃદ્ધ પ્રભાકર સાઇકલ પર ખમણ વેચીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. વૃદ્ધ રોજ સાઇકલ પર ખમણ વેચવા માટે આસપાસના વિસ્તારમાં જતા હતા. ત્યારે ભેસ્તાનથી ઉન પાટિયા ચાર રસ્તા પર પહોંચ્યા હતા, જ્યાં સાઇકલ લઈને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવી રહેલી કાળરૂપી ટ્રકે તેમને અડફેટે લીધા હતા. ત્યારબાદ ટ્રકના આગળના ટાયર સહિત સાત જેટલાં ટાયર તેમના પરથી ફરી વળ્યાં હતા, જેથી વૃદ્ધના શરીરના ટુકડા થઈ ગયા હતા. 14 ટાયરવાળી ભારે ભરખમ ટ્રક વૃદ્ધ પરથી ફરી વળતા શરીરના અમુક ભાગો રોડ પર ચીપકી ગયા હતા. આ મામલે પોલીસ દ્વારા અકસ્માતનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.