ગુજરાતમાં બે વર્ષમાં રેતી-ખનીજ ચોરીના 14 હજાર કેસ પકડાયાં, 181 કરોડનો દંડ વસુલાયો
અમદાવાદઃ ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવોને ઝડપી લેવા માટે ખાણ-ખનીજ વિસ્તાર દ્વારા અવાર-નવાર દરોડા પાડીને લાખોની મતા જપ્ત કરવામાં આવે છે. રાજ્યમાં બે વર્ષના સમયગાળામાં ગેરકાયદે ખનનના 14 હજારથી વધારે કિસ્સા પકડીને રૂ. 610 કરોડનો દંડ ફડકારવામાં આવ્યો હતો. જે પૈકી અત્યાર સુધીમાં રૂ. 181 કરોડ વસુલ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે વર્ષના સમયગાળા દરમિયાન ગેરકાયદે ખનન મુદ્દે 14002 કિસ્સા પકડી પાડવામાં આવ્યાં હતા. જે પૈકી રાજકોટમાં ખનીજ ચોરોને રૂ. 14.42 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે પૈકી રૂ. 7.30 કરોડ વસુલ કરવામાં આવ્યાં છે. આવી જ રીતે છોટા ઉદેપુરમાં રૂ. 26.74 લાખનો દંડ ફટકારીને 16.41 કરોડ વસુલવામાં આવ્યાં છે. કચ્છમાં રૂ. 36.92 કરોડનો દંડ ફટકારીને 13.12 કરોડ વસુલવામાં આવ્યાં છે. સુરેન્દ્રનગરમાં 79.88 કરોડ, અમદાવાદમાં 12.40 કરોડ, સુરતમાં 25 કરોડ, ગાંધીનગરમાં 5.46 કરોડ, બનાસકાંઠામાં 23.52 કરોડ, પોરબંદરમાં 70.54 કરોડ અને દ્વારકામાં 78.41 કરોડનો દંડ ગેરકાયદે ખનન કરનારાઓને ફટકારવામાં આવ્યો હતો. જે પૈકી સુરેન્દ્રનગરમાં 14.71 કરોડ, અમદાવાદમાં 10.02 કરોડ, સુરતમાં 7.30 કરોડ, બનાસકાંઠામાં 9.62 કરોડ, પોરબંદરમાં 1.84 કરોડ અને દ્વારકામાં 4.24 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે અન્ય રકમની વસુલાત માટે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં બે વર્ષના સમયગાળામાં ગેરકાયદે ખનન મુદ્દે પોલીસ સ્ટેશનમાં માત્ર 12 જ ફરિયાદ નોંધાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગેરકાયદે ખનન અને ખનીજ ચોરીને ઝડપી લેવા માટે ખાણ-ખનીજ વિભાગ આધુનિક ટેકનોલોજીના આધારે કામગીરી કરી રહી છે. હવે ડ્રોન મારફતે ખનીજ ચોરી ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.