- શેરડીની કાપણી કરતાં શ્રમજીવીના બાળકને ખેંચી જઈને દીપડાએ ફાડી ખાધો હતો.
- દીપડાને પકડવા માટે વન વિભાગે 10 પાંજરા મુકીને 7 ટીમો કામે લગાડી હતી,
- શ્રમજીવી પરિવારને સહાય મળે તે માટે ગ્રામજનોની રજુઆત
સુરતઃ જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં એક શ્રમજીવી પરિવાર શેરડીની કાપણીનું કાર્ય કરી રહ્યું હતું અને પરિવારનું 7 વર્ષનું બાળક શેરડીના વાઢ નજીક રમતુ હતું, ત્યારે એકાએક ધસી આવેલા દીપડાએ બાળકને ખેંચી જઈને ફાડી ખાધો હતો. બાળક નજરે ન ચડતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દીપડાના પંજાના નિશાન દેખાતા માંડવી વન વિભાગની ટીમને જાણ કરી હતી. આ દરમિયાન પડાવ નજીક 300 મીટર દૂર શેરડીના ખેતરમાં બાળક ફાડી ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે દીપડાના હુમલાના ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં 10 પાંજરાઓ મારણ સાથે ગોઠવી દીધાં હતાં. તેમજ 7 ટીમો કામે લાગી ગઈ હતી. આ દરમિયાન બાળકને ફાડી ખાધા બાદ થોડા કલાકના અંતરે ફરી માનવભક્ષી દીપડો બાકી રહેલા શિકાર ખાવા આવતા પાંજરે પુરાઇ ગયો હતો.
આ બનાવની વિગતો એવી છે કે, મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અને સુરત જિલ્લામાં શેરડી કાપણી કરવા આવેલા શ્રમજીવી પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાખી રહેતો હતો. ત્યારે શ્રમજીવી પરિવારનો સાત વર્ષનો અજય લાલસિંગ વસાવે જે શેરડીના વાઢ નજીક રમી રહ્યો હતો. તે દરમિયાન દબાતા પગે દીપડો આવ્યો હતો અને બાળકને ખેંચીને નજીકના ખેતરમાં લઈ જઇ ફાડી ખાધો હતો. બાળક નજરે ન ચડતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દીપડાના પંજાના નિશાન દેખાતા માંડવી વન વિભાગની ટીમને જાણ કરી હતી. આ દરમિયાન પડાવ નજીક 300 મીટર દૂર શેરડીના ખેતરમાં બાળક ફાડી ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલા માંડવી પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલા તેમજ માંડવી ફોરેસ્ટ ઓફિસર એચ.જે વાંદા તેમજ તેઓની ટીમે તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહનો કબજો લઇને નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે મોકલાયો હતો.
દરમિયાન વન વિભાગની ટીમે દીપડાના હુમલાના ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં 10 પાંજરાઓ મારણ સાથે ગોઠવી દીધાં હતાં. તેમજ 7 ટીમો કામે લાગી ગઈ હતી. આ દરમિયાન બાળકને ફાડી ખાધા બાદ થોડી કલાકના અંતરે ફરી માનવભક્ષી દીપડો બાકી રહેલા શિકાર ખાવા આવતા પાંજરે પુરાઇ ગયો હતો. વન વિભાગની ટીમ તુરંત દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ લઈ ગઇ હતી. ત્યારે હાલ માસૂમ બાળકને દીપડાએ ફાડી નાખી મોતને ઘાટ ઉતારતાં શ્રમજીવી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ટૂંક સમયમાં મળે તે માટે વન વિભાગની ટીમે કામગીરી પણ હાથ ધરી છે.