Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે જનતાને વીજળી મફત આપવાની કરી જાહેરાત

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્યકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી લેવાઈ છે. આ ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થવાની શકયતાઓ રાજકીય તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશની જનતાને મફત વિજળી આપવાની જાહેરાત કરી હતી.

અખિલેશ યાદવે કહ્યું કે, જો 2022ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી સત્તામાં આવે છે તો યુપીના તમામ વીજ ગ્રાહકોને 300 યુનિટ મફત ઘરેલું વીજળી આપવામાં આવશે. ખેડૂતોને પણ સિંચાઈ માટે મફત વીજળી આપવામાં આવશે. પાર્ટી કાર્યાલયમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, “આ પહેલું વચન છે જે પાર્ટીના મેનિફેસ્ટોમાં સામેલ કરવામાં આવશે અને યુપીના લોકો જાણે છે કે સપાએ તેના મેનિફેસ્ટોમાં જે વચન આપે છે, તે તમામ વચનો પૂરા કરે છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવું વર્ષ સમાજવાદી પાર્ટી અને તેના કાર્યકર્તાઓ માટે તે દિવસથી રહેશે જ્યારે યુપીમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બદલાશે. ભાજપે તેના કુશાસનને કારણે સમાજના તમામ વર્ગોનું જીવન મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કર્યો છે.