લખનૌઃ યુપીના હમીરપુર જિલ્લામાં કાર લઈને ન્યૂઝ પેપર નાખવાનું કામ કરનાર પવન નામની વ્યક્તિને પોલીસે હેલ્મેટ નહીં પહેરવા બદલ રૂ. એક હજારના દંડનું ચલણ પોલીસે ફટકાર્યું હતું. આ અંગે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતા તેમને ચલણ રદ કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ કેટલાક પોલીસ અધિકારીઓએ તેમને આ મુદ્દે ધમકી આપી હોવાની અટકળો વહેતી થઈ છે. બીજી તરફ ટ્રાફિલ પોલીસના દંડથી ડરી ગયેલા કાર ચાલકે હવે કાર હંકારતી વખતે સીટ બેલ્ટ બાંધવાની સાથે હેલ્મેટ પણ પહેરે છે. હાલ સોશિયલ મીડિયામાં હેલ્મેટ પહેરીને એક વ્યક્તિ કાર હંકારતી હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેમજ લોકોએ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આ મામલો હમીરપુર જિલ્લાના મુસ્કરા પોલીસ સ્ટેશનનો છે. અહીં પોલીસે અખબારો સપ્લાય કરતા કાર ચાલકને કારની અંદર હેલ્મેટ ન પહેરવાને કારણે ચલણ ફટકાર્યું હતું. જે બાદ કાર ચાલકમાં ભય ફેલાયો છે અને ચિંતા છે કે, જો હવે હેલ્મેન્ટ પહેરીને કાર નહીં ચલાવે તો ફરીથી દંડ ફટકારવામાં આવશે. જેથી હવે સીટ બેલ્ટ સાથે હેલ્મેટ પહેરીને કાર ચલાવી રહ્યો છે. જે વ્યક્તિનું ચલણ કરવામાં આવ્યું હતું તેનું નામ પવન કુમાર છે, જે પોતાની ક્રુઝર કારથી અખબારો સપ્લાય કરે છે. આ મામલો 18 એપ્રિલનો છે. પવન બનાવના દિવસે અખબારો સપ્લાય કરીને આવી રહ્યો હતો, ત્યારે પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસે વાહન રોક્યું હતું, કારનો ફોટો ક્લિક કર્યો અને રૂ. 1000નું ચલણ આપ્યું હતું. પવનને આ ચલણનો મેસેજ તેના ફોન પર મળ્યો હતો.
જ્યારે પવને આ ચલણ અંગે વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરી તો તેને ચલણ રદ કરવાની ખાતરી આપવામાં આવી. જો કે પવનના કહેવા પ્રમાણે આ મામલે અત્યાર સુધી કંઈ થયું નથી. તેમને ડર છે કે પોલીસ ફરી તેમનું ચલણ કરી શકે છે. જેના કારણે તે હેલ્મેટ પહેરીને પોતાની કારમાં ચાલી રહ્યો છે. પવનના કહેવા પ્રમાણે, ઊલટું પોલીસે તેને ધમકાવવાનું શરૂ કર્યું છે અને વાહન જપ્ત કરવાની વાત કરી છે. આ કિસ્સામાં, કેટલાક અધિકારીઓનું કહેવું છે કે આ ઓનલાઈન ઈન્વોઈસ છે. આવી સ્થિતિમાં ક્યારેક ભૂલ થઈ જાય છે. ફરિયાદ બાદ આવા ચલણ રદ કરવામાં આવે છે.