લખનૌઃ સામાન્ય રીતે બાઈક અને કાર ચાલકો પાસેથી રોડ ટેક્સ વસુલવામાં આવે છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં હવે સાઈકલ ચાલકને પણ રોડ ટેક્સ મામલે 1.51 લાખની નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઔરૈયા જિલ્લાના એક સાઈકલ ચાલક પાસે આરટીઓએ રોડ ટેક્સ મુદ્દે રૂ. 1.51 લાખની નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે આરટીઓ અધિકારીએ કહ્યું હતું કે, નોટિસ અંગે તપાસ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તરપ્રદેશના દિબિયાપુરના સેહુદ ગામના સુધીર નામના યુવાનના પિતા સુરેશ ચંદ્ર એક ધર્મશાળામાં ચોકાદીર તરીકે કામ કરે છે. સુધીર અને તેના પિતા સુરેશ ચંદ્ર પરિવહન માટે એક જ સાઈકલનો ઉપયોગ કરે છે. ઘરમાં કોઈની પાસે બાઈક, સ્કુટર કે કાર નથી. તેમ છતા તેમને રૂ. 1,51,140નો રોડ ટેક્સ ભરવા માટે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસને જોઈને પરિવારજનો ચોંકી ઉઠ્યાં હતા.
નોટિસમાં જૂન 2012થી સપ્ટેમ્બર 2021 સુધી મોટર વ્હીકલ ટેક્સ ચુકવવા તાકીદ કરી હતી. આરટીઓએ 16મી સપ્ટેમ્બરના રોજ નોટિસ મોકલી હતી. નોટિસ અંગ્રેજી ભાષામાં હોવાથી સુરેશચંદ્રએ પડોશીને બતાવી હતી. તેમાં કારનો ટેક્સ જમા ન કરવાને લઈને સુધીરને દંડ કર્યાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે સુધીરની ઉંમર 17 વર્ષની જ હોવાનું જાણવા મળે છે.
સુરેશચંદ્રએ જણાવ્યું કે, તેમની પાસે સાઈકલ છે દીકરા પાસે કોઈ વાહન નથી. બીજી તરફ આરટીઓના અધિકારી અશોકકુમારે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે અને કોઈ દોષિ હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.