ઉત્તરપ્રદેશમાં બાઈક ઉપર સાત યુવાનોને સવાર થઈને રીલ બનાવવી ભારે પડી, આકરો દંડ ફટકારાયો
લખનૌઃ દેશમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા અનેક લોકો રીલ બનાવવા માટે જીવ જોખમમાં મુકતા અચકાતા નથી. બીજી તરફ મોટરસાઈકલ ઉપર સ્ટંટ કરનાર યુવાનો પોતાની સાથે અન્યના લોકોના જીવને પણ જોખમમાં મુકતા અચકાતા નથી. દરમિયાન ઉત્તરપ્રદેશમાં રીલ બનાવવા માટે બાઈક પણ સ્ટંટ કરવો યુવાનોને ભારે પડ્યો છે. સોશિયલ મીડિયામાં એક મોટરસાઈકલ ઉપર એક,બે નહીં પરંતુ સાત-સાત યુવાનો સવાર થઈને ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે બાઈકના નંબરના આધારે બાઈક માલિકને નિયમોનું ઉલ્લંઘન બદલ મોટો દંડ ફટકાર્યો છે.
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક બાઈક ઉપર સાત યુવાનો એક સાથે સવાર થઈને સ્ટંટ કરતા હોવાની રીલ બનાવી હતી. યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વારલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં સાત યુવાનો સવાર થયેલા જોવા મળે છે. પોલીસે વાહન નંબરના આધારે વાહન માલિકને રૂ. 16 હજારનો દંડ ફટકાર્યો છે.
ઉન્નાવ સીઓ આશુતોષ કુમારે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા મારફતે પોલીસને આ વીડિયો મળ્યો હતો. આ વીડિયોમાં સાત યુવાનો બાઈક પર સ્ટંટ કરતા જોવા મળે છે. બાઈકની જાણકારી આરટીઓમાંથી નીકાળવામાં આવી હતી. તેમજ બાઈક માલિકની સામે મોટર વ્હાકલ એક્ટ હેઠળ ચલણ આપવામાં આવ્યું છે. તપાસ અધિકારીને વાહન માલિકને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ દ્વારા વીડિયો બનાવનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાનું જાણવા મળે છે.