નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના કાશીપુરમાં જીવીત પતિને મૃત બતાવીને વિધવા પેન્શન લેવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કાશીપુર મહોલ્લા કાજીબાગમાં રહેતા ઉબેદુર રહેમાન અંસારીએ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે, મોહલ્લા કટોરાતાલના રહેવાસી ખૈરુલનિશા મોહમ્મદ ઈકબાલ અને દીકરી અંજુમ ઈકબાલ મોહમ્મદએ ખોટી માહિતી આપી હતી.
કાગળોમાં ખૈરૂલનિશાએ તેના જીવિત પતિ મોહમ્મદ ઈકબાલને મૃતક બતાવીને વિધવા પેન્શનનું ફોર્મ ભર્યું હતું, જે પણ વિભાગના કર્મચારીઓની મિલીભગતથી ષડયંત્ર હેઠળ સ્વીકારવામાં આવ્યું હતું. જે પછી તે નિયમિત વિધવા પેન્શનનો અયોગ્ય લાભ લઈ રહી છે.
ઉબેદુર રહેમાને જણાવ્યું કે, ખૈરુલનિશાની પુત્રી અંજુમ ઈકબાલ કોમ્પ્યુટરની સારી રીતે જાણકાર છે. ખૈરુલનિશાએ તેની પુત્રી અંજુમ ઈકબાલે સાથે મળીને નકલી દસ્તાવેજો તૈયાર કર્યા અને તેની તરફેણમાં વિધવા પેન્શન મંજૂર કરાવ્યું હતું. જ્યારે, ખૈરૂલનિશાના પતિ મોહમદ ઈકબાલ હજુ પણ જીવિત છે. ખૈરુલનિશા વર્ષ 2013 થી વિધવા પેન્શન લઈ રહી છે અને ખૈરુલનિશાએ 17મી જુલાઈ 2018 ના રોજ વિધવા પેન્શનની ફરીથી ચકાસણી કરાવી છે. ઉબેદુર રહેમાને જણાવ્યું હતું કે ઈકબાલ જીવિત છે અને ખૈરુલનિશા છેતરપિંડીથી બનાવટી દસ્તાવેજોના આધારે વિધવા પેન્શન મેળવે છે.
ખૈરુલનિશાનું આ કૃત્ય ગુનાહિત કૃત્ય છે. જીવિત વ્યક્તિને મૃત બતાવીને જાણીજોઈને વિધવા પેન્શન લેવું એ ગંભીર અપરાધ છે, જેમાં ઉત્તરાખંડ સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને પાત્ર લોકોના હકનું મારણ થઈ રહ્યું છે. ઉબેદુર રહેમાને જણાવ્યું હતું કે, માહિતી અધિકાર કાયદામાં ખૈરુલનિશાના વિધવા પેન્શન ફોર્મ, વિધવા પેન્શન વેરિફિકેશન ફોર્મ, જરૂરી દસ્તાવેજો મળ્યા છે. પોલીસે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ પર બંને આરોપી માતા-પુત્રી વિરુદ્ધ આઈપીસીની કલમ 420 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.