રાજકોટઃ જિલ્લાની કો-ઓપરેટિવ બેન્કના વાડોદર ગામની શાખાના કેશિયરે 20 જેટલા ખાતેદારની બોગસ સહીઓ કરી ચેક પોતાના અને પોતાના સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને રૂા. 71.43 લાખની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બેન્કના કેશીયરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જેતપુરના અભિષેકનગરમાં રહેતા જિલ્લા બેન્કની મેઇન શાખામાં ફરજ બજાવતા ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ ભીખાભાઇ રાદડિયાએ વાડોદર ગામની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા ધોરાજીના વિકાસ રતિલાલ લાખાણી સામે રૂા. 71.43 લાખની હંગામી ઉચાપત કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી વિકાસ લાખાણી વાડોદરની જિલ્લા બેન્કમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે. વિકાસે ગત તા. 29 ડિસેમ્બરથી તા. 14 જુન દરમિયાન જુદા જુદા 20 જેટલા બેન્ક ખાતેદારોની બોગસ સહીઓ કરી રૂા.71.43 લાખની ઉચાપત કર્યાનું બેન્કના ઓડીટ દરમિયાન ધ્યાને આવ્યું હતું. જેમાં વાડોદર બેન્કમાં એકાઉન્ટ ધરાવતા ખીમાભાઇના રૂા .12 લાખ, અશ્વિનભાઇ અને તેમના પત્ની મનિષાબેનના જોઇન્ટ એકાઉન્ટમાંથી રૂા. 8 લાખ, જીવુભા બળવંતસિંહ વાઘેલાના રૂા. 2 લાખ, પ્રફુલભાઇ લાખાણીના રૂા. 1 લાખ, પ્રફુલભાઇ દાવડાના રૂા.4.50 લાખ, મેરામભાઇ છૈયાના રૂા. 2.50 લાખ, પેથલજીભાઇ મ્યાત્રાના રૂા. 8 લાખ, ગાંડુભાઇ લાખાણીના રૂા. 2 લાખ, જયાબેન રૂદાણી અને તેમના પતિ કાનજીભાઇ રૂદાણીના જોઈન્ટ એકાઉન્ટમાંથી રૂા. 5.50 લાખ, વિજયભાઇ સાવલીયાના રૂા. 3 લાખ, વિઠ્ઠલભાઇ લાખાણીના રૂા. 2.50 લાખ, મનસુખભાઇ મૈયડના રૂા. 1.23 લાખ, પરસોતમભાઇ રૂદાણીના રૂા.80 હજાર, ભાવેશ લાવડીયાના રૂા.2 લાખ, પ્રતાપસિંહ વાઘેલા અને અશોકસિંહ વાઘેલાના રૂા.5 લાખ, ભનુભાઇ દેસાઇના રૂા.35 હજાર, પરસોતમભાઇ ટાંકના રૂા. 2 લાખ, મગનભાઇ પાચાણીના રૂા. 7 લાખ, હમીરભાઇ ડાંગરના રૂા. 1 લાખ અને દિનેશભાઇ વિરડાના રૂા. 1 લાખ બોગસ સહીના આધારે બારોબાર ઉપાડી લીધાનું ઓડીટ દરમિયાન બહાર આવ્યું છે.
વાડોદરની જિલ્લા બેન્કના કેશિયરે 20 જેટલા ખાતા ધારકના જુદા જુદા બહાના હેઠળ ચેકમાં સહી કરાવી પોતાની પાસે લઇ લીધા બાદ તેઓ દ્વારા બેન્કમાં નાણા જમા કરાવે ત્યારે સ્લીપમાં સહી – સીક્કો લગાવી દેતો પરંતુ બેન્કમાં રકમ જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આરોપી વિકાસ લાખાણી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકની ધોરાજી ખાતેની વાડોદર શાખામાં કેશિયર તરીકે કામ કરતો હતો. તેણે ડિસેમ્બર 2021 અને જૂન 2022 વચ્ચે બેંકના ગ્રાહકોના ખાતામાંથી ચાલાકીપૂર્વક રૂ. 71 લાખ ઉપાડી લીધા હતા. જયારે એક ખાતાધારક બ્રાંચમાં પાસબુક અપડેટ કરાવવા આવ્યો ત્યારે તેને જાણ થઇ કે તેના ખતામાંથી ૩ લાખ રૂપિયાની ઉચાપત થઇ છે. ત્યારબાદ સમગ્ર મામલો સામે આવતા કુલ રૂ. 71 લાખની ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું હતું. બેંકના અધિકારીઓએ વિકાસ લાખાણી સામે પાટણવાવ પોલીસ સ્ટેશમાં છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિકાસ લાખાણીએ ચેક પર ગ્રાહકની જ નકલી સહી નહીં પરંતુ ચેક ક્લિયર કરવા માટે બેંક મેનેજરની પણ નકલી સહી કરી હતી.આરોપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ બે દિવસના રિમાડ મંજુર કર્યા હતા. હાલ પોલીસ આગળ પૂછપરછ ચલાવી રહી છે.