Site icon Revoi.in

વડોદરામાં વિશ્વામિત્રી નદી કાંઠા પરના 150 દબાણો દુર કરાશે

Social Share

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી પૂરના કારણે લોકોની માલ-મિલકતોને ભારે નુકશાન થયું હતું. તેમજ રોડ પર ભરાયેલા પાણી ઉતરવામાં ખૂબ સમય લાગ્યો હતો. અને તે માટે વિશ્વામિત્રી નદી કાંઠે તેમજ કાંસમાં થયેલા દબાણો જવાબદાર હોવાની ચર્ચા ઊઠી હતી. આથી મ્યુનિ,કોર્પોરેશન દ્વારા નદીકાંઠા વિસ્તારના દબાણોનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં આશરે 150 જેટલા ગેરકાયદે દબાણો થયાનો રિપોર્ટ મળતા હવે તમામ દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી રહી છે. અને ત્યારબાદ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે.

વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. પૂર માટે જવાબદાર એવા વગદાર નેતાઓ તેમજ માલેતુજારોના વિશ્વામિત્રી નદી અને કાંસની ઉપર અને આસપાસ થયેલાં દબાણો હટાવવા માટે ઉગ્ર માગ ઊઠી છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશને પણ દબાણો સામે કાર્યવાહીનું મન બનાવ્યું છે. આધારે દબાણોની યાદી તૈયાર કરવા સાથે નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે શહેરીજનોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. વિશ્વામિત્રીમાં આવેલું પૂર નદી અને કાંસની આસપાસ ઊભાં કરાયેલાં ગેરકાયદેસર દબાણોના કારણે જ આવ્યું હોવાનું લોકો પણ માની રહ્યા છે. ત્યારે પાલિકા પર આ દબાણોને દૂર કરવા દબાણ ઊભું થયું છે.

બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ વિશ્વામિત્રીની આસપાસનાં દબાણોને કોઈપણ ભોગે ચલાવી નહીં લેવા સૂચના આપવામાં આવી છે. તેવામાં એક એજન્સીએ તાજેતરમાં વિશ્વામિત્રી નદીની માપણી કરીને અહેવાલ આપ્યો છે. જે માપણીના રિપોર્ટના આધારે મ્યુનિની ટીમો દબાણોનો અભ્યાસ કરીને તેની યાદી બનાવશે અને ત્યારબાદ ચૂંટાયેલી પાંખ સાથે ચર્ચા-વિચારણા કરીને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.  તાજેતરમાં જ શહેર ભાજપ પ્રમુખે વિશ્વામિત્રી નદી અને કાંસ પર ઊભાં કરાયેલાં દબાણો પર કડક હાથે કાર્યવાહી કરવા અંગેનું નિવેદન આપ્યું હતું.

સૂત્રોના કહેવા મુજબ  વર્ષ 1994ના જીડીસીઆર મુજબ નદીના પટથી 6થી 9 મીટર છોડી બાંધકામ કરવાનો નિયમ હતો. જ્યારે વર્ષ 2017ના જીડીસીઆરમાં આ નિયમ બદલાયો હતો. જેમાં નદીના કિનારેથી 30 મીટર છોડીને બાંધકામ કરવાનો નિયમ બન્યો હતો. જોકે ભૂતકાળમાં 6થી 9 મીટર જગ્યા છોડવાના નિયમ હોવા છતાં 200 મીટર સુધીનો પ્રતિબંધિત ઝોન ઉઠાવીને બાંધકામ કરવામાં આવ્યું છે.