વડોદરાઃ શહેરના નવા યાર્ડ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે પેટ્રોલના વેગનમાં આગ લાગતા એક વ્યક્તિ ભડથું થઈ ગઈ હતી. આગની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો દાડી ગયો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક પાવર સપ્લાય બંધ કરાવી આગ કાબુમાં લીધી હતી અને વધુ નુકસાન થતા અટકાવ્યું હતું. આ વખતે રેલવે ટ્રેક પર એક વ્યક્તિનો સળગી ગયેલો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ 3 ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમયે વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, યુવક શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે ભડથું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી.
રેલવે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઈ ટેન્શન લાઈન પોલ નંબર 396/37થી 396/39 વચ્ચે ગુડઝ ટ્રેનના વેગનમાં આ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં વડોદરા રેલવે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ વિવેક દીધે અને રેલવે સ્ટેશન એસએસ ઓપરેટર બી.કે. ઝા સહિત રેલવે સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત RPF અને GRPનો સ્ટાફ પણ દોડી ગયો હતો. આ સમયે વેગનની બાજુમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.