અમદાવાદઃ ગુજરાતની સ્કૂલોમાં કોરોનાનો ભય ઓછો થતા ઓનલાઈન એજ્યુકેશનની સાથે ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. દરમિયાન વડોદરાની એક સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ 8નો વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતા શાળાના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ વિદ્યાર્થી પોઝિટિવ આવતા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરાની નિઝામપુર વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી જાણીતી સ્કૂલમાં ધો-8માં અભ્યાસ કરે છે. દરમિયાન વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. કોવિડ 19ના પ્રોટોકોલ મુજબ હાલ શાળા સામે તમામ પગલા ભરાઇ રહ્યાં છે. શાળા દ્વારા સમયસર જાણ કરવામાં નહીં આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારવાની કવાયત શરૂ કરી છે. દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, જે શાળાઓ દ્વારા કોવિડ 19 ના નિયમોનું પાલન કરવામાં નહીં આવે તેઓ વિરુદ્ધ એપેડેમીક એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલોમાં ઓનલાઈનની સાથે ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ ટ્યુસન ક્લાસીસ પણ સરકારી નિયમો અનુસાર ચાલી રહ્યાં છે.