Site icon Revoi.in

વડોદરામાં રાત્રે પોલીસ કર્મચારીઓએ રેકડીધારકને બેરહેમીથી ફટકારતા ગંભીર હાલત

Social Share

વડોદરાઃ શહેરના સયાજીગંજ વિસ્તારમાં રાતના સમયે પેટ્રોલિંગમાં નિકળેલા ત્રણ પોલીસ કર્મચારીઓએ એક એમલેટની લારી ખૂલ્લી જોતા લારીધારકને બેરહેમીથી ફટકાર્યા બાદ જીપ સાથે ઢસડતા લારી ધારક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે હોબાળો મચ્યા બાદ પોલીસના અમાનુષી મારનો ભોગ બનેલા યુવાન અને પોલીસ કર્મચારીઓની સામસામે ફરિયાદો સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ હોવાથી પોલીસ પેટ્રોલિગમાં હતી. આ દરમિયાન એ-વન ફૈઝાન નામે આમલેટની લારી ખુલ્લી દેખાતા પોલીસે લારી ધારક ફૈઝાનને રોડ પર ઢસડીને દંડા વડે બેરહેમીથી ફટકાર્યો હતો. પોલીસના મારથી ઈજાગ્રસ્ત ફૈઝાનને ગંભીર હાલમાં SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જેના પગલે ફૈઝાનના શરીર પર ઉજરડા પડી ગયા છે. જ્યારે માથામાં 15 ટાંકા લેવા પડ્યા છે. આ બાબતની જાણ થતાં DCP સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો. આ મામલે ફૈઝાનના ભાઈએ સયાજીગંજ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ મહોમદ મુદ્દતસિર, રઘુવીર ભરતભાઈ અને ડ્રાઈવર કિશન સામે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ PCR વાનના ચાલકે પણ લારી ધારક વિરુદ્ધ ફરજમાં રુકાવટ બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે એ-ડિવિઝનના ACP ચાવડાએ જણાવ્યું કે, અમને પુરાવા મળશે, તેમ આગળ કાર્યવાહી હાથ ધરીશું. હાલ તમામ પોલીસ કર્મીઓને નજરકેદ કર્યા છે અને તેમના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન પોલીસ મારનો ભોગ બનેલા યુવાનના પરિવારજનોનો આક્ષેપ છે કે, ફૈઝાનને પોલીસ કર્મીઓએ પોલીસ વાનની સાથે ઢસડ્યો હતો. જેના કારણે તેની હાલત હાલ ગંભીર છે. ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. સયાજી હોસ્પિટલમાં નોંધાયેલી વર્દીમાં લખવામાં આવ્યું છે કે, યુવકને પોલીસ વાન વડે બે કિલોમીટર સુધી ઢસડવામાં આવ્યો હતો.