Site icon Revoi.in

વડોદરામાં ગત રાતે વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ

Social Share

વડોદરાઃ શહેરમાં ગત મોડી રાત્રે પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. ભારે પવનના કારણે, વૃક્ષો, હોલ્ડિંગ જમીન દોસ્ત થવાની સાથે વીજળી પણ ડૂલ થઈ હતી. ભાદરવાની અસહ્ય ગરમી બાદ વડોદરામાં મોડી રાત્રે પવનના સુસવાટા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા  લોકોને ગરમીથી રાહત મળી હતી.

વડોદરા શહેરમાં ગત રાતના સમયે પડેલા વરસાદને કારણે  ગરબા આયોજકો દ્વારા માટી નાખીને તૈયાર કરેલા ગ્રાઉન્ડ ધોવાઈ હયા હતા. તો કેટલાક ગરબા આયોજકો દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં લઇ ગરબાના મેદાન પર તાલપત્રી મૂકી દીધી હતી. ભારે પવનથી વિવિધ વિસ્તારોમાં લાગેલા હોર્ડિગ્સો અને વૃક્ષો જમીનદોસ્ત થયા હતા તો અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા હતાં. ફૂટપાથવાસીઓ અને ઝૂંપડાવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે, બંગાળની ખાડી પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને તેની અસર વર્તાઇ રહી છે. જોકે એકાદ સપ્તાહ સુધી વરસાદ પડવાની શક્યતા રહેશે. ત્યાર બાદ 5મી ઓક્ટોબરથી ચોમાસુ વિધિવતરીતે વિદાય લેશે.

ગુજરાતમાં ચોમાસાની વિદાયની પણ ધીમે ધીમે શરૂઆત થઈ છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ કચ્છના ભાગોમાં વિધિવત રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. એટલે કે, આ વરસાદી રાઉન્ડ છેલ્લો હોય શકે છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટરે ગુજરાતના ખેલૈયાઓ માટે પણ સારા સમાચાર આપ્યા છે. જેમાં નવરાત્રિ પહેલા જ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, નવરાત્રિના નવ દિવસ બગડે તેવી શક્યતા ઓછી જણાઇ આવે છે.