વડોદરાઃ શહેરમાં અસહ્ય તાપમાનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે રોડ પર ટ્રાફિક નહીવત જોવા મળી રહ્યો છે. શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલો બંધ હોય ત્યારે ધોમ ધખતા તડકામાં બે-ચાર મીનીટ ઊબા રહેતા દ્વીચક્રી વાહન ચાલકોની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે શહેરના ચાર રસ્તાઓ પર મંડપ બાંધીને વાહનચાલકોને છાંયડો મળી રહે તે માટેના મ્યુનિ.દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનરના બંગલા નજીક આવેલા ચાર રસ્તા પર ટ્રાફીક સિગ્નલ પાસે ગ્રીન કાપડ લગાવીને મંડપ ઊભો કરવામાં આવ્યો છે. જેને લઇને ટ્રાફીક સિગ્નલ પર ઉભા રહેતા વાહન ચાલકોને સીધા સુર્યપ્રકાશથી રાહત મળી રહી છે.
રાજ્યના અમદાવાદ, વડોદરા સહિત તમામ શહેરોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ગરમીથી લોકોને બચાવવા માટે અમદાવાદ અને સુરત શહેરમાં ટ્રાફીક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવામાં આવે છે. કેટલાક સિગ્નલો પર ગ્રીન અથવા અન્ય કાપડનો મંડપ ઉભો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી ચુક્યો છે. ત્યારે વડોદરામાં અલકાપુરી વિસ્તારમાં પોલીસ કમિશનર બંગલાની નજીક આવેલા ચાર રસ્તા પર ગ્રીન કાપડનું છત બનાવી મંડપ ઊભો કરવામાં આવ્યો છે. ટ્રાફીક સિગ્નલ ખુલવાની વાટ જોતા દ્વીચક્રી વાહનચાલકો મંડપ નીચે સીધા સુર્યપ્રકાશના સંપર્કથી બચી શકશે. હાલ બે બાજુ મંડપ બનાવવામાં આવ્યા છે. આ પ્રયોગ સફળ થતાં શહેરના અન્ય ટ્રાફિક સિગ્નલો પર પણ આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જે ચાર રસ્તાઓ ટ્રાફિકથી સતત વ્યસ્ત રહે છે. તેવા ટ્રાફિક સિગ્નલો પર પ્રથમ આવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.