વડોદરાઃ દેવ દિવાળીના દિને શહેરના એમ.જી.રોડ નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહજીના મંદિરમાંથી બપોરે નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયારૂપી શહેરીજનો જોડાયા હતા. હાથી ઘોડા પાલખી જય નરહરી લાલકી…ના ગગનભેદી જયઘોષ સાથે વાજતે-ગાજતે ભગવાન નરસિંહજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો હતો.
વડોદરામાં સોમવારે દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો વરઘોડોમાં મોટી સંખ્યમાં શહેરીજનો જોડાયા હતા. શહેરના એમ.જી. રોડ ઉપર આવેલી નરસિંહજીની પોળ સ્થિત નરસિંહજી મંદિરમાંથી સાજન-મહાજન સાથે વાજતે-ગાજતે વરઘોડો નીકળ્યો હતો. ભગવાન લગ્ન કરવા નીકળ્યા ત્યારે નરસિંહજીની પોળમાં રહેતા લોકોએ પોતાની બાલ્કનીમાંથી પુષ્પવર્ષા કરી હતી. અલૌકીક આભૂષણોમાં સજ્જ થઇ ભવ્ય પાલખીમાં લગ્ન કરવા માટે નીકળેલા ભગવાનના વરઘોડામાં મંદિર પરિવારની મહિલાઓએ રમણ દીવડા સાથે પ્રમુખસ્થાન લીધું હતું. સાથી મહિલાઓ લગ્ન ગીતો સાથે વરઘોડામાં જોડાઇ હતી. સફેદ પોષાકમાં સજ્જ મંદિર પરિવારના લોકો પણ જોડાયા હતા. આ ઉપરાંત વરઘોડામાં ભાજપા, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. વરઘોડો પોળની બહાર આવતા જ ભારે આતશબાજી કરી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લહેરીપુરા દરવાજાથી લઇ તુલસીવાડી સુધીના માર્ગો માનવ મહેરામણથી ઉભરાઇ ગયા હતા. આ રોડ ઉપર મેળા જેવો માહોલ થઇ ગયો હતો.
શહેરના નરસિંહજીની પોળમાંથી બપોરે વાજતે-ગાજતે લગ્ન કરવા માટે નીકળેલા ભગવાન નરસિંહજીના દર્શન કરવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. કેટલાંક લોકો દ્વારા આગામી દિવસોમાં પરિવારમાં આવી રહેલા લગ્ન સહિતના શુભપ્રસંગોની કંકોત્રી ભગવાનના ચરણોમાં મુકવા માટે ભારે ભીડ કરી હતી. ભગવાનનો વરઘોડો મુખ્ય માર્ગ ઉપર આવતાની સાથે જ હાથી ઘોડા પાલખી જય નરહરી લાલકી…ના લોકોએ જયઘોષ કરી ભગવાનને વધાવી લીધા હતા.