Site icon Revoi.in

વડોદરામાં 20 જેટલી સોસાયટીઓમાં રાત્રે વીજ પુરવઠો ઠપ થતાં લોકોએ વીજળી કચેરી માથે લીધી

Social Share

વડોદરાઃ વીજળી એ જીવન જરૂરિયાત બની ગઈ છે. ઉનાળાની ગરમીમાં એસી કે પંખા વિના લોકો રહી શકતા નથી. જ્યારે વીજ પુરવઠો ખોરવાય જાય ત્યારે જ તેની સાચી કિંમત સમજાતી હોય છે. વડાદરા શહેરમાં અકોટા અને વાસણા સબ ડિવિઝન અંતર્ગત આવતી ધારાસભ્યની સોસાયટી સહિત 20 જેટલી સોસાયટીઓમાં ગુરૂવારે મોડી સાંજથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. આખી રાત લોકોએ અસહ્ય ગરમીમાં પસાર કર્યા બાદ લોકોની સહનશીલતા ખૂટી જતાં વહેલી પરોઢો લોકોએ વીજ સબ સ્ટેશન પહોંચી હોબાળો મચાવ્યો હતો. વીજ કચેરીના કર્મચારીઓએ લોકોનો રોષ જોઈને પોલીસ બોલાવતા લોકો વધુ રોષે ભરાયા હતા. ત્યાર બાદ 20 જેટલી સોસાયટીના રહીશો અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇના ઘરે પહોંચ્યા હતા. જોકે  ધારાસભ્યએ વીજ કંપનીના અધિકારીને ફોન કરતા સામેથી કોઇ જવાબ મળ્યો નહોતો.

વડોદરાના અકોટા અને વાસણા વીજ સબ સ્ટેશન વિસ્તારમાં ગુરૂવારે સવારે 7 વાગ્યે પીજ પુરવઠો ખોરવાયો હતો. જે બાદ બપોરે 12 વાગ્યે પૂર્વવત થયો હતો. ત્યારબાદ બાદ સાંજે 4 વાગ્યે ફરીવાર વીજ પુરવઠો ખોરવાયો હતો. જે રાત્રિના 3 વાગ્યા સુધી પણ વીજ પુરવઠો પૂર્વવત બન્યો નહતો. અને લોકો ગરમીના ત્રાહીમામ પોકારી ગયા હતા. આ મામલે લોકોએ ફોન કરીને પૂછપરછ કરતા સબ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે લાઇટ આવશે.ત્યારબાદ વહેલી સવારે લોકો વીજ સબ સ્ટેશન પહોંચ્યા તો વીજ કર્મચારીઓ ટોર્ચના સહારે ચા પીતા નજરે પડયા હતા. લોકોનો આક્રોશ જોઈને  વીજ કચેરીએ પોલીસ બોલાવી લેવામાં આવી હતી. લોકોએ વીજ કંપનીના અધિકારીને ધારાસભ્યની હાજરીમાં પણ ફોન કર્યો હતો, છતાં કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હોવાના આક્ષેપ વીજ ગ્રાહકોએ કર્યાં હતાં.

વીજ કચેરીના અધિકારીઓના કહેવા મુજબ  સનફાર્મા નજીક અંડર ગ્રાઉન્ડ કેબલ ફાયર થયો હતો. અગાઉ પણ ફોલ્ટ સર્જાયો હતો. તેને ચાલુ કરવા જતા વાસણા સબ સ્ટેશન બંધ થઇ ગયું છે. ટેક્નિકલ મુશ્કેલી આવી રહી છે. અકોટા-અટલાદરા બે ઓફિસ અકોટા ઓફિસથી ચાલે છે. સનફાર્મા રોડ અટલાદરા વિભાગમાં આવે છે. અટલાદરા વિભાગમાં એક જ સાહેબ છે, તેઓ રજા પર છે. લોકોની મુશ્કેલી હલ કરવા  વીજ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

વીજ કંપનીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું કે, સાંજે પોણા છ વાગ્યાની આસપાસ કેબલ ફોલ્ટ થયો હતો. કેબલ ફોલ્ટ થતા અમે લોડ ચેન્જ ઓવર કર્યો હતો. ચેન્જ ઓવર થતા જમ્પર સળગી ગયા છીએ. તેને દુરસ્ત કરવાની કામગીરી અમે કરી રહ્યા છીએ. મોડી રાત સુધી પણ ફીડરમાં ફોલ્ટ છે. હલ્લાબોલ કરવાથી કોઇ સોલ્યુશન નહિ આવે. અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ થવાના કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે. હું સાજે સાડા પાંચ વાગ્યાથી અહિંયા કામ કરી રહ્યો છું