વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ મહાનગરોમાં સરકારી ઈમારતોથી લઈને રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી છે. કે, નહીં તેના વિષે ચર્ચા જાગી છે. ત્યારે વડાદરામાં સમા સંજયનગર વિસ્તારમાં પીએમ આવાસ યોજનાની વસાહતમાં બિલ્ડરે ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરી નથી. આથી મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ફરીવાર નોટિસ ફટકારવામાં આવી છે.
ફાયર બ્રિગેડના સૂત્રાએ જણાવ્યું હતું કે, શહેરમાં વર્ષ 2019 માં સમા સંજયનગર ખાતે પીપીપી ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે 5 વર્ષ બાદ પણ ત્યાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ નહીં કરી હોવાનું ધ્યાને આવતા ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા 3 મહિના પહેલા બિલ્ડરને નોટિસ આપી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ ન કરાતા ફરીવાર નોટિસ ફટકારવામાં આવી છે.
સમા સંજયનગર ખાતે પીપીપી ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 8 માળના 22 ટાવરોમાં 800 મકાનોનું નિર્માણ થયું છે. જોકે વર્ષ 2019માં નિર્માણ પામેલા આવાસોમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ નહીં કરવામાં આવી નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 3 મહિના અગાઉ બિલ્ડરને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા નોટિસ આપવામાં આવી હતી. જો કે 3 મહિના થયા બાદ પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી નથી. એટલે બીજી નોટિસ ફટકારી આગામી સમયમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
શહેરના સમા સંજયનગરના પીએમ આવાસ યોજનાના રહિશો પણ ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની માગ કરી રહ્યા છે. રહિશોએ પણ આ અંગે બિલ્ડરને રજુઆતો કરી હતી. તેમજ ફાયર વિભાગે પણ ત્રણ મહિના પહેલા નોટિસ આપી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. પરંતુ આજ દિન સુધી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ નહી થતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવા ફરીથી નોટિસ અપાઈ છે.