Site icon Revoi.in

વડોદરામાં વાઘબારસના દિને PM નરેન્દ્ર મોદી લક્ષ્મી વિલાસ પેલેસમાં લેશે શાહી ભોજન

Social Share

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી પર્વની પ્રારંભે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વાઘબારસે એટલે કે,  28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી વડોદરામાં તાતા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનના ઉદ્ઘાટન સમારંભમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે હાજરી આપશે. ઉદઘાટન બાદ લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શાહી ભોજન સાથે પીએમ મોદી અને સ્પેનના પીએમ પેટ્રો સાંચેઝ એમઓયુ પર હસ્તાક્ષર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે,  પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી બાદ 39 વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજવી પરિવાર સાથે શાહી ભોજન લેશે. વડાપ્રધાન આવવાના હોવાથી વડોદરામાં વાઘ બારસે દિવાળી જેવો માહોલ જોવા મળશે. તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરામાં C 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા માટે તાતા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની દ્વારા પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. વર્ષ 2026માં વાયુસેના માટે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા c 295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનીને તૈયાર થશે. આગામી 28 તારીખે શહેરમાં નિર્માણ પામેલા તાતા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઈનના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરા આવી રહ્યા છે. ઉદઘાટન કાર્યક્રમ બાદ મોદી અને પેડ્રો સાચેઝ માટે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શાહી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ડેલિગેશન તથા સ્પેનના વડાપ્રધાન અને ડેલિગેશન સાથે રાજવી પરિવાર ભોજન લેશે. દરબાર હોલ ખાતે જ ભારત અને સ્પેન વચ્ચેના ઐતિહાસિક કરાર પર બંને વડાપ્રધાન સહી કરશે.

સૂત્રોના કહેવા મુજબ પીએમ મોદીના હસ્તે  28મી ઓક્ટોબરે વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કરવામાં આવશે. ન્યૂ આઈપી રોડ પર વૈકુંઠ નજીક ઊભા કરાયેલા તાતા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં દેશના 1500 ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ અપાયું હોવાની માહિતી મળી છે. વડાપ્રધાન ઉદ્ઘાટન પ્રસંગે 1500 ઉદ્યોગપતિઓને સંબોધન કરશે તેવી પણ વિગતો સાંપડી છે.

વડાપ્રધાનના આગમન અને વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા શહેરને સુશોભિત કરવા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રોડ પેચવર્ક, ડિવાઈડર અને ફૂટપાથ સમારકામ, રંગરોગાન, વોલ પેઇન્ટિંગ, લાઇટિંગ, વૃક્ષોના ટ્રીમિંગ, તળાવની સફાઈ અને સુશોભન સરકારી ઇમારતો પર લાઇટિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.