વડોદરામાં હાઉસિંગ બોર્ડનાં જર્જરિત 96 મકાનોનો વીજ પુરવઠો કપાતા હબાળો, તંત્રએ લીધી બાંયેધરી
વડોદરાઃ શહેરમાં વર્ષો પહેલા બનેલા હાઉસિંગ બોર્ડની વસાહતોના ઘણાબધા મકાનો જર્જરિત બન્યા છે, વરસાદને કારણે જર્જરિત મકાનોને કારણે કોઈ દૂર્ઘટના ન બને તે માટે મ્યુનિ. દ્વારા જર્જરિત મકાનોની મરામત માટે નોટિસો આપવામાં આવી હતી. છતાંયે મકાનોને મરામત ન કરાવાતા વીજ કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના રિફાઈનરી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 96 જર્જરિત મકાનોનો વીજ પુરવઠો વીજ કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે કાપી નાખતાં રહીશોએ હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા રહીશો મ્યુનિની વોર્ડ ઓફિસે પહોંચ્યા હતા. રહીશોની રજૂઆતના આધારે મ્યુનિ.એ 15 દિવસમાં જર્જરિત મકાનોનું રિપેરિંગ કરાવી લેવા બાંહેધરી પત્રક સ્ટેમ્પ પર લખાવી લીધાં હતાં. અને આખરે 9 કલાક બાદ વીજ જોડાણ ફરી જોડી અપાયા હતાં.
વડોદરા શહેરમાં રિફાઈનરી રોડ પર શાક માર્કેટ પાસેના ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનો પર પોલીસ કાફલા અને વીજ કંપનીની ટીમ સાથે મ્યુનિ.ના અધિકારીઓ પહોચ્યા હતા. જ્યાં સવારે 11 વાગ્યાના અરસામાં વીજ જોડાણ કાપી નખાતાં હોબાળો થયો હતો. એક સાથે 96 મકાનનાં વીજ કનેક્શન કાપી નખાતાં રહીશો તંત્રની કામગીરી સામે રોષે ભરાયાં હતાં. વીજ જોડાણો કપાઈ જતાં રહીશો ગોરવાની મ્યુનિ.ની વોર્ડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વીજ જોડાણ કેમ કાપ્યા તે અંગેની રજૂઆત કરી હતી. રહીશો અને મ્યુનિ.ના અધિકારીઓની ચર્ચા બાદ આખરે વીજ જોડાણો ફરી ચાલુ કરવા મ્યુનિ.એ તૈયારી બતાવી હતી. જોકે તે માટે સ્ટેમ્પ પેપર પર બાંહેધરી પત્રક આપવા સૂચના આપી હતી. કોઈ દુર્ઘટના બને કે મોત થાય તો તંત્રની નહીં પણ રહીશોની જવાબદારી રહેશે તેવું બાંહેધરી પત્રકમાં લખાવાયું હતું. રહીશોને 15 દિવસમાં રિપેરિંગ કામ કરાવી લેવા માટે તાકીદ કરાઈ છે. ઘટનાના 9 કલાક બાદ રાત્રે 8 વાગ્યા વીજ જોડાણ પૂર્વવત કરાયાં હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ હાઉસિંગ બોર્ડના રહીશોને ગત વર્ષે પણ જર્જરિત મકાનાને નોટિસ આપી હતી. ઉપરાંત 15 દિવસ પહેલાં પણ 96 મકાનોને રિપેરી કરવા નોટિસ અપાઈ હતી, છતાં કાર્યવાહી ન થતાં વીજ જોડાણો કાપ્યાં હતાં. હવે રહીશોએ 15 દિવસમાં રિપેરિંગની બાંહેધરી આપી છે એટલે જોડાણો ચાલુ કરાયા છે. (File photo)