Site icon Revoi.in

વડોદરામાં કલેકટર કચેરીના કરોડોના ખર્ચે બનેલા બિલ્ડિંગમાં પાણી ટપકતાં દસ્તાવેજો બચાવાયા

Social Share

વડોદરાઃ ગુજરાતમાં નવા જ બનાવેલી ઓવરબ્રિજ અને રોડ-રસ્તાઓ પર વરસાદને લીધે ગાબડાં પડવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે જ વડોદરામાં જિલ્લા કલેકટર કચેરીના 21 કરોડના ખર્ચે નવા બનાવેલા બિલ્ડિંગમાં વરસાદ પડતાની સાથે જ પાણી ટપકવા લાગતા મહત્વના દસ્તાવેજો અને ફાઈલો પલળે નહીં તે માટે કચેરીના સ્ટાફે દોડધામ કરી હતી.

વડોદરામાં ગઈકાલે સમી સાંજે પડેલા ધોધમાર વરસાદે 21 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી કલેકટર કચેરીની કામગીરીની પોલ ખોલી નાખી હતી. પાંચ માસ પહેલાં જ કાર્યરત થયેલી કલેકટર કચેરીના રૂમોમાં વરસાદનું પાણી પડવાનુ શરૂ થતાં દસ્તાવેજો પલળતા બચાવવા કર્મચારીઓએ દોડધામ કરી મૂકી હતી. ગુરૂવારે સમી સાંજે શહેરમાં પ્રચંડ ગાજવીજ સાથે બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદે એક વર્ષ પૂર્વે જ 21 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી કચેરીમાં થયેલી કામગીરીની પોલ ખોલી નાખી હતી. કચેરી તૈયાર થયા બાદ માર્ચ-2024માં ભવ્ય કાર્યક્રમ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને કચેરી કાર્યરત કરવામાં આવી હતી. ગઈકાલે સમી સાંજે પડેલા ભારે વરસાદનું પાણી કલેકટર કચેરીના રૂમ નંબર-32માં કાર્યરત જમીન સુધારણા શાખાના રેકર્ડ રૂમમાં પાણી પડતાં દસ્તાવેજો બચાવવા કર્મચારીઓએ દોડધામ કરી મૂકી હતી. પટાવાળાઓને રીવોલીગ ચેરમાં દસ્તાવેજો મૂકી અન્ય રૂમમાં લઇ જવાની ફરજ પડી હતી.

​​​​​​સૂત્રોના કહેવા મુજબ  વડોદરામાં પીડબલ્યુડી  વિભાગ દ્વારા આ નવી કલેકટર કચેરીની કામગીરી માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. PWDની સિંધી દેખરેખ હેઠળ કલેકટર કચેરીની કામગીરી થવા છતાં વરસાદે કામગીરીની પોલ ખોલી નાખી હતી. સમી સાંજે વરસાદ ખાબક્યો ત્યારે કલેકટર કચેરીમાં મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. ધોધમાર શરૂ થયેલા વરસાદને કારણે કર્મચારીઓ કલેકટર કચેરીમાં અટવાઇ ગયા હતા.