Site icon Revoi.in

વડોદરામાં કોર્પોરેશને ત્રણ ગેરકાયદે ધાર્મિક સ્થળો ઉપર બુલડોઝર ફેરવાયું

Social Share

અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરા શહેરમાં ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવા માટે મનપા તંત્રએ અભિયાન શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2006 બાદ વડોદરામાં ફરીથી ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. સોમા તલાવ, તાંદલજા અને સયાજીગંજમાં બે દરગાહ અને એક મઝારને હટાવવામાં આવી હતી. આ સમયે મેયર કેયુર રોકડિયા પણ હાજર રહ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય ગેરકાયદે ધાર્મિક સ્થળોને દૂર કરવા માટે મનપાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી. તેમજ વડોદરા શહેરના મેયર પણ સ્થળ ઉપર હાજર હતા. મનપાની કામગીરી સામે સ્થાનિક આગેવાનોએ વિરોધ કર્યો હતો. જો કે, તંત્ર દ્વારા તેમને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યાં હતા. થોડાક વર્ષો પૂર્વે પાણીગેટ સુલેમાની ચાલી તોડી પાડયા બાદ ત્યાં રહેતા લોકોને સોમા તલાવ વિસ્તારમાં આવેલ બીએસયુપીના આવાસો ખાતે મકાનો ફાળવાયા હતા. જ્યાં રહેતા લઘુમતિ કોમના કેટલાક લોકોએ 20 ફૂટ પહોળો અને 25 ફૂટ લાંબો એટલે કે 500 ચો.ફૂટનો તોતિંગ પતરાનો શેડ બનાવી દીધો હતો અને તેમાં છેલ્લા ચાર વર્ષથી દરગાહ બનાવી દેવાઈ હતી. જે બાબત ધ્યાને આવતા દબાણ સ્વેચ્છાએ દૂર કરવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ હતી. જેથી થોડુક દબાણ સ્વેચ્છાએ હટી ગયુ હતુ, પરંતુ દરગાહ અને શેડ યથાવત્ હોવાથી પોલીસ બંદોબસ્ત હેઠળ કોર્પોરેશને તેને દુર કર્યું હતું.

એમ.એસ.યુનિવર્સિટીના કંપાઉન્ડને અડીને સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામેના ભાગે ચાર ફૂટ પહોળી અને 8 ફૂટ લાંબી મઝાર બનાવી દેવાઈ હતી જેને કોર્પોરેશને તોડી પાડી હતી. આ ઉપરાંત તાંદલજા ખાતે સહકાર નગર ખાતેની આવાસ યોજનાની જગ્યામાં બનાવવામાં આવેલી દરગાહને તોડવાનુ શરૂ કરતા લઘુમતિ કોમના લોકોનુ ટોળુ ત્યાં દોડી ગયુ હતુ અને મેયરને ઉગ્ર રજૂઆતો કરી હતી.