વડોદરાઃ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ દોડી આવી હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસનાના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને ગત લોકસભાની ચૂંટણી દરમિયાન માદીની સરનેમ વિશે કરેલી કોમેન્ટ અંગે સુરત કોર્ટ દ્વારા ગઈકાલે બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી.અને આ સજા બાદ રાહુલ ગાંધીને આજે સાંસદ તરીકે પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે વડોદરામાં કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રે પ્રમુખ ઋત્વિજ જોશી, કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા અમી રાવત, કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત અને કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ સહિત કોંગ્રસના કાર્યકરો દ્વારા મૌન ધરણા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે ધરણાની મંજૂરી આપી ન હોવાથી આ તમામની અટકાયત કરવામાં આવી હતી.
ધરણા દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી ખતરામાં છે. લોકશાહીની સાચી વ્યાખ્યાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. બેકારી અને મોંઘવારી સાથે ગુજરાતમાં સરકારી ભરતીમાં પેપર લીક થાય છે. વડોદરામાં પ્રજાને વેરાનું વળતર નથી મળી રહ્યું. આજે વિધાનસભા અને લોકસભામાં કોંગ્રેસની વાત સાંભળતા નથી. આ ધરણમાં મૌન ધરણાં છે અને લોકશાહી બચાવવા માટેના ધરણાં કરવામાં આવ્યા છે. અમારા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી જેનાથી ભારતીય જનતા પાર્ટી બોખલાય ગઈ છે. સત્યનો હંમેશા વિજય થાય છે.