Site icon Revoi.in

વડોદરામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ, વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી

Social Share

વડોદરાઃ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે સમગ્ર શહેર જળમગ્ન બન્યું હતું. ત્યારે આજે મંગળવારે ફરીથી વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે વડોદરામાં ફરી પૂરનું સંકટ ઊભુ થયું છે. હાલ વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે.

મધ્ય ગુજરાતમાં આજે મંગળવારે પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. દરમિયાન સોમવારે પાદરામાં અને પંચમહાલના મોરવા હડફમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વડોદરાની વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી ૩૩.૫૦ ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીના પાણી શહેરના રોડ પર ફરી વળ્યાં છે. તેથી જનજીવન ખોરવાયું છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી પ્રવેશ્યા છે. લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર ફરી વળતાં અનેક નાગરિકો અટવાયા છે. બહારગામથી આવેલા લોકો નદીના પાણીના કારણે ફસાયા હતા.

વડોદરા શહેરના આજવા સરોવરનું પાણી ફરી વળતા અનેક ગામોને અસર થઈ છે. 1000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે. મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતું. અડધી રાત્રે એકાએક પાણી આવતા આજવા સરોવર નજીકના ગ્રામજનો અટવાયા હતા. જ્યારેવડોદરા શહેરમાં  લોકોના ઘરો, રેલવે સ્ટેશન, એસટી ડેપો, કડકબજાર માર્કેટમાં પાણી ભરાયા છે. આજવા રોડ મિહિર પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરમાં અઢી ફૂટ જેટલું પાણી ભરાયું છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

#VadodaraFlood #HeavyRain #UrbanFlooding #VadodaraUpdate #FloodCrisis #RiverOverflow #WorldView #InfrastructureDamage #EmergencyResponse #VadodaraRain #WaterLogging #FloodAlert #CityFlooding #VadodaraWeather #DisasterManagement #GujaratFlood #RainImpact #VadodaraNews #FloodResponse #CommunitySupport #FloodedStreets