Site icon Revoi.in

વડોદરામાં વિશ્વામિત્રી નદીએ લોકોના જીવ અદ્ધર કર્યા, પાણી સાથે મગરો તણાઈ આવ્યા

Social Share

વડોદરાઃ શહેરમાં ગઈકાલે પડેલા 13 ઈંચ વરસાદથી રોડ-રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું હતુ. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દેતા કાંઠા વિસ્તારના લોકો ભયભીત બન્યા હતા. ખાસ તો વિશ્વામિત્રી નદીના પાણી સાથે મગરો તણાઈને રોડ પર આવી જતાં મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો હતો. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 27.85 ફૂટે પહોંચી છે. ભયજનક સપાટી 26 ફૂટ છે. લોકોએ જણાવ્યું હતું કે,  ગઈકાલે આખી રાત સૂતા નથી. ભારે વરસાદથી વડોદરામાં આજે ગુરૂવારે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.

વડોદરામાં ગઈકાલે બુધવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. શહેરમાં 13 ઈચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયા હતા. બીજી તરફ મોડી રાત્રે વિશ્વામિત્રી નદીમાંથી નરહરિ હોસ્પિટલ નજીક મગર તણાઈ આવ્યો હતો. જોકે, લોકો દ્વારા આ મગરનું સફળ રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો હતો. ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 28.44 ફૂટ પર પહોંચી છે. તેમજ આજવા ડેમની સપાટી 212.15 ફૂટે પહોંચી છે.  શહેરના પૂર્વ વિસ્તારમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રોડ પર પાણી ભરાતાં ​​​​​​​દર્દીઓને  હોસ્પિટલ લઈ જવા માટે ભારે મુશ્કેલી પડી હતી. શહેરના અકોટા ગામ દેવનગર ઝુપડપટ્ટીની અંદરથી 20 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ.

શહેરમાં સુખધામ સોસાયટી અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી આવી જ હાલત થાય છે. રાત્રે જમવાનું પણ બનાવ્યું નથી. આજે બીજા દિવસે પણ પાણી ઉતર્યા નથી. આકોટા ગામની ઝુપડપટ્ટીના 50 મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જ્યારે નિઝામપુરા વિસ્તારમાં આવેલા પટેલ ફળિયું અને ગાંધી ચોકના કુલ 50 મકાનો પાણીમાં ઘૂંસતા રહિશોની હાલત કફોડી બની હતી.  શહેરના ફતેગંજ નરહરિ હોસ્પિટલ બહાર મગર લટાર મારતો જોવા મળ્યો હતો. રાત્રે 2 વાગે રોડ પર મગર લટાર મારતો જોવા મળ્યો હતો. ​​​​​​​મગરને જોઈ લોકોમાં ભય ફેલાયો હતો. મગરનું રેસ્ક્યૂ કરી ફરી નદીમાં છોડાયો હતો.