વડોદરાઃ શહેરના આકોટા વિસ્તારમાં આવેલા એક સ્પામાં નકલી પોલીસના સ્વાંગમાં આવેલા શખ્સોએ રેડ પાડીને તોડ કરવાનો પ્રયાસ કરતા અસલી પોલીસ દોડી આવી હતી. ત્રણેય શખસો પાસે ઓળખપત્રો માગતાં નકલી પોલીસ હોવાનું જણાતા સ્પાના મેનેજરને ધમકી આપનારા ત્રણ ઈસમોની અકોટા પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં આવેલા સ્પાના માલિકને ફોન કરી દિલ્હી પોલીસ વિભાગના કર્મચારી હોવાની ઓળખ આપીને ત્રણ શખસોએ સ્પામાં ખોટી રેડ પાડી પૈસા પડાવવા માટેનો ખેલ રચ્યો હતો પરંતુ, સ્થાનિક પોલીસે આવીને ઓળખ પૂછતા ત્રણેય નકલી પોલીસ બનીને આવેલા ઈસમોનો ખેલ બગડ્યો હતો. હાલમાં આ ત્રણેય ઈસમો સામે કાયદાકીય ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે સ્પાના મેનેજર મેહુલ યોગેશભાઈ પરમારે અકોટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 19ના રોજ તે સ્પામાં નોકરી પર હતા. તે દરમિયાન ત્રણેય ઇસમો સાંજના સમયે ત્યાં આવ્યા હતા. નકલી પોલીસના સ્વાંગમાં ત્રણેય ઈસમો દિલ્હી પોલીસ વિભાગના કર્મચારી હોવાનું જણાવ્યું હતું અને તેઓ પોતે રેડ કરવા માટે આવ્યા છે તેવું જણાવ્યું હતું. બાદમાં તેઓ સ્પાના રજીસ્ટર ચેક કરવા લાગ્યા હતા અને સ્પામાં કામ કરતી મહિલાના નામઠામ પૂછવા લાગ્યા હતા. આ સાથે જ મહિલાઓનો પગાર અને ક્યાં રહે છે? તેની પણ વિગતો અંગે પૂછપરછ કરતા હતા. આ સાથે અનિલ રાવળ નામના ઇસમે સ્પાના માલિકને કોલ કરી સ્પામાં બોલાવ્યા અને ધમકી આપી કે, જો નહી આવો તો તમારા પર પોલીસ કેસ કરીશું. દરમિયાન આ ઈસમોએ સ્પાના રજીસ્ટર અને કાગળો તપાસ્યા હતા અને કહ્યું કે, તમારું રજીસ્ટ્રેશન ગેરકાયદેસર છે અને તમારા વિરુદ્ધ પોલીસ કેસ થશે. જ્યારે આ ઘટના ઘટી રહી હતી એ જ સમયે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અને આ ત્રણેય ઈસમોના ઓળખપત્રો માગતા ભાંડો ફુટ્યો હતો. આ ત્રણેય ઇસમોના નામ અનિલ મનુભાઈ રાવળ (રહે, મંગલમુર્તી એપાર્ટમેંટ વિડસર પ્લાઝાની સામે આર.સી.દત રોડ અલકાપુરી વડોદરા) , શાકીર કાદરભાઈ મણીયાર (રહે, તાંદલજા કોઢીયાપુરા સામે અલીફનબર બી/10 વડોદરા), જતીન હર્ષદભાઇ માસ્તર (રહે. સી/03 કૃષ્ણનગર સોસાયટી સી.કે. પ્રજાપતી રકુલ બાપુની દરગા પાસે ગોરવા વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરના આકોટા પોલીસને શંકા જતા તુરંત જ આ ત્રણેય આરોપીઓ અંગેની તપાસ હાથ ધરી. આ ત્રણેય ઈસમોની પાસેથી દિલ્હી પોલીસ અંગેના પુરાવા માંગતા કોઈપણ પુરાવો મળી આવ્યો નહોતો. આખરે અકોટા પોલીસે આ ત્રણેય ઈસમોને પોલીસ મથકે લઇ જઇ પૂછપરછ કરી હતી. બાદમાં તેઓ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.