Site icon Revoi.in

વલસાડ સિવિલમાં પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી ઓપરેશન કરી બહાર કઢાયુ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના વલસાડની સિવિલ હોસ્પિટલમાં એક બાળક ઉપર જટીલ સર્જરી કરીને તેને બચાવી લેવામાં આવ્યો હતો. 3 વર્ષનું આ બાળક સીતાફલનું બી ગળી ગયો હતો અને આ બી શ્વાસનળીમાં ફસાઈ ગયું હતું. જેથી બાળકની હાલત વધારે બગડી હતી. જેને તેને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોસ્પિટલમાં કોઈ પણ કાપા વગર દુરબીનથી ઈએનટી અને એનેસ્થેસિયા વિભાગ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ બાળકની તબિયતમાં સુધારો થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ત્રણ વર્ષનું બાળક ગત શનિવારે સાંજે પાંચ કલાકે રમતા રમતા સીતાફળનું બી ગળી ગયુ હતું. જે શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકના માતા પિતા સારવાર અર્થે દાહાણુ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે 108 મારફત વલસાડ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવતા રાત્રે 10.30 કલાકે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

ફરજ પરની બાળકો અને ઇ.એન.ટી. વિભાગની તબીબી ટીમ દ્વારા દર્દીની પ્રાથમિક તપાસ કરતા દર્દી ગભરામણ સાથે આવ્યું હતું અને તેનું ઓક્સિજન લેવલ 90 જેટલું થઈ ગયુ હોવાથી પરિસ્થિતિ વધારે ન બગડે તે માટે તાત્કાલિક એક કલાકની અંદર કોઈ પણ કાપા વગર દૂરબીનથી ઇ.એન.ટી. અને એનેસ્થેસિયા વિભાગ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. અડધા કલાકમાં જ બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી કાઢી નાખવામાં આવ્યું હતું. 24 કલાક માટે દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખી રજા આપવામાં આવી હતી.