અમદાવાદઃ ભારે વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં મંગળવારની મોડી રાતથી ધીમી ગતિએ મેઘ મહેર થઈ હતી. ત્યારબાદ વહેલી સવારે વાપી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લીધે વાપીનું જન જીવન અસરગ્રસ્ત બન્યું હતું. વાપી તાલુકામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા શહેરના તમામ નીચાણવાળા.વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. એટલું જ નહીં રોડ-રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર અટકી ગયો હતો.
દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં વાપીમાં સવારથી પડેલા વરસાદને લઈ અનેક રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતા મુખ્ય અંડરપાસમાં પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. જેથી ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર વિભાગે કાર ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો. માત્ર 4 કલાકમાં તાલુકામાં 6 ઈંચ વરસાદ ખાબકતા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વાપીની બલિઠા ખાડીમાં ચાલુ વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને સફાઈ અને ખાડીને પાક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે બલિઠા ખાંડીને ઊંડી અને પહોળી કરવામાં આવી છત્તા વાપી પંથકમાં વરસાદી પાણીનો ભરાવો થતા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ કામગીરીઓ ફેલ ગઈ હોવાનું જોવા મળ્યુ હતું.
વાપી શહેરમાં 6 ઇંચ વરસાદમાં શહેરના તમામ નીચાણવાળા વિસ્તરો પાણીમાં ગળકાવ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વાપી નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો.દ્વારા કરવામાં આવેલી પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી. શાળાએ જતા વિદ્યાર્થીઓ, GIDCમાં જતા કામદારો, નોકરિયાતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી સોસાયટીઓ તેમજ વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં તેમજ રસ્તા ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો.